વૃદ્ધ દંપતીને કાગળો પર મૃત બતાવીને કરોડોની જમીન કબજે કરી લીધી

 

વાંકાનેરમાં વડીલો પાર્જીત જમીનમાં દંપતીને મૃત બતાવીને ખોટા દસ્તાવેજ ઉભા કરીને પાંચ જેટલા શખ્સોએ જમીન પચાવી પાડી હોવાનું સામે આવતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મુંબઈ ખાતે રહેતા ફરિયાદી રજનીકાંત શાન્તીલાલ સંઘવીએ આરોપી રાજકોટના સુચિત રમેશ જોષી, અમદાવાદની મોના રજનીકાંત મહેતા, કુસુમ રજનીકાંત મહેતા, રાજકોટના રમેશ ડાયા વડોદરિયા અને જયંતી ધીરૂ સાકરિયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધા અર્થે મુંબઇ ખાતે રહે છે. તેમનું મુળ વતન વાંકાનેર છે. જ્યાં તેમની વડીલો પાર્જીત મિલ્કતમા મકાન શાન્તીસદ‘ દીવાનપરા વાંકાનેરમાં આવેલ છે. આ ઉપરાંત વાંકાનેરમાં સર્વે નં. (૧) રે.સ.નં. ૧૦/૨ પૈકી ૨ તથા (૨) રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં. ૧૮ પૈકી ૧ તથા (૫) રે.સ.નં. ૧૮ પૈકી ૨ તથા (૬) રે.સ.નં. ૧૯ તથા (૭) રે.સ.નં. ૨૦ તથા (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪ તથા (૯) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૬ સહિત કુલ નવ જમીન તેમના નામની છે.

તાજેતરમાં રજનીકાંતભાઇ વાંકાનેર ખાતે લગ્નપ્રસંગમાં આવ્યા હતા. એ સમયે તેમના ધ્યાન પર આવ્યું હતું કે, તેમની જમીનના રેવન્યુ રેકર્ડમા ખોટી રીતે નોંધ કરાવી રેન્યુ રેકર્ડમા ખોટા વ્યવહારો કરવામા આવેલ છે. અને કેટલાક લોકો દ્રારા તેમની જમીન પોતાના નામે કરાવી લેવા માટે કાવતરૂ કરવામા આવ્યું હતું. જે બાદ તેમણે વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમા તપાસ કરતા જાણવા મળેલ કે, તેમની તમામ સર્વે નંબર વાળી જમીનનો તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ દસ્તાવેજ થઇ ગયો છે, જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે અને કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દતાણીની પત્ની દર્શાવવામાં આવી છે તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી.

જે બાદ તેમણે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે તપાસ કરી, જ્યાં વિગતો વાંચીને રજનીકાંતભાઇના પગ તળેથી જમીન ધસી ગઈ હતી. તેમણે ખેતીની જમીન ના માલીકીના ૭/૧૨ તથા ૮૮અ ના રેવન્યુ રેકર્ડ ચકાસીને તેમાં વારસાઇની નોંધ વાંચતા તેમાં લખ્યું હતું કે, “વાંકાનેર તાલુકાના મોજે વાંકાનેર ગામના ખેડુત ખાતેદાર શ્રીમાન રજનીકાંતભાઇ શાન્તીલાલના ખાતા નંબર ૧૩૨૧૩૨થી માર્જીનમા જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે. જે પૈકી શ્રીમાન રજનીકાંતભાઇ શાન્તીલાલ ખાતા નંબર ૧૩૨નુ અવસાન તારીખ ૩/૦૫/૨૦૦૫ ના રોજ થતાં તેમના સીધી લીટીના વારસદારો તરીકે સ્વ.કામીની બેન રજનીકાંત મહેતા પત્ની અવસાન થયેલું છે.’ તેવું લખ્યું હતું. એટલું જ નહીં આરોપી મોનાબેન અને કુસુમબેને તેમના ખાતામા ખાતેદાર તરીકે દર્શાવામાં આવ્યા હતા. અર્થાત બંને મહિલાઓ પોતાને રજનીકાંતભાઇ સંઘવીની સીધી વારસદાર તરીકે દર્શાવી વારસાઇ એન્ટ્રી પડાવી હતી. અને તેમની અટકમાં પણ છેડછાડ કરીને સંઘવીના સ્થાને મહેતા કરી નાખી હતી.

જે બાદ રજનીકાંતભાઈએ રેવન્યુ રેકર્ડની માહીતી મેળવવા માટે મામલતદારને અરજી કરી પ્રમાણીત નકલો મંગાવી તો તેમાં રજનીકાંતભાઈ અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહી દંપતીનું સરનામું અમદાવાદ દર્શાવવામાં આવ્યું હતું અને અને ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat