લજાઈ : સામુહીક બહિષ્કાર મામલે રબારી સમાજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

બહિષ્કારથી નારાજ રબારી સમાજે કરી મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડા પર કબજો કરી ગેરકાયદેસર દબાણો કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિવિધ સમાજ દ્વારા રબારી સમાજનો સામુહિક બહિષ્કાર કરવામાં આવ્યો હોય જે મામલે રબારી સમાજે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ધોરણસરની કાર્યવાહીની માંગ કરી છે.

લજાઈ સમસ્ત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે લાજાઈ ગામના વસાહતીઓ જેઓ બક્ષીપંચ માન્ય પછાત જાતી રબારી સમાજના ૬૦ જેટલા પરિવારો છેલ્લા ચાલીસ વર્ષથી સરકારી ખરાબમાં વાડા બનાવી ભોગવટો કરી ત્તેમના માલઢોર સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને છેલ્લા થોડા દિવસ પૂર્વે ગ્રામજનો દ્વારા આ વાડાની જગ્યામાં જેસીબી મશીન દ્વારા ભાંગતોડ કરી અમારા વાડા કબજે કર્યા છે આ જગ્યા સરકારી ખરાબાની છે અને વાડાઓ હટાવી આ જગ્યા પર ઈમારત બનાવવાનું શરુ કરેલ છે જેને સરકારની મંજુરી ના હોય ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. તેમજ રબારી સમાજના તમામ પરિવારો સાથે સામાજિક-આર્થિક વ્યવહાર બંધ કરી સામુહિક બહિષ્કાર કરી રબારી સમાજ સાથે વાત વ્યવહાર પણ બંધ કરેલ હોય જેથી અમારો સમાજ નિરાધાર અને એકલતા અનુભવે છે.

ગ્રામજનો દ્વારા અસભ્ય વ્યવહાર કરી ઉશ્કેરણી પણ કરતા હોય જેથી સમાજ માટે જીવવું આકરૂ બની ગયું છે. મોરબી જીલ્લા મથકથી અમારૂ ગામ પંદર કિમી દુર હોય અમારી રોજબરોજની જરૂરિયાતો અને તબીબી સગવડતાઓ અમાનવીય ધોરણે અટકાવેલ છે જેથી પરિવારના અબાલ વૃદ્ધ બાળકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે. અને પશુ જ્યાં ત્યાં ભટકતા ફરી રહ્યા છે જેથી પશુધન નિભાવ માટે વૈકલ્પિક જગ્યા સાથે આ વાડાની જગ્યાએ થતા અનધિકૃત રીતે બનાવાતી ઈમારતનું કામ અટકાવવા તેમજ રબારી પરિવારને માલઢોર બાંધવા માટે તાત્કાલિક વાડાઓની વ્યવસ્થા કરી નવેસરથી જમીન ફાળવવા માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat