Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયાનું કુંભારિયા ગામ ત્રણ દિવસથી સંપર્કવિહોણું

મોરબી જિલ્લાને ચાલુ ચોમાસામાં મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને માળિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસની આવકને લીધે ડેમના દરવાજા ખોલતા ટંકારા અને માળિયા પંથક પાણીમાં ગરકાવ થયા હતા તો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે માળિયાનું કુંભારિયા ગામ સંપર્કવિહોણું બન્યું છે.
        માળિયાના કુંભારિયા ગામમાં દર ચોમાસામાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામનો કોઝવે બંધ થઈ જતા ગ્રામજનો પેલે પાર જઈ સકતા નથી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તેમજ નોકરિયાતો પણ કામધંધે જઈ સકતા નથી. તેમજ હોસ્પિટલના કે અન્ય કામકાજ સમયે ગ્રામજનો રઝળી પડે છે. ગામનો કોઝવે ભારે વરસાદ ને કારણે જળબંબાકાર થવા પામે છે જેથી પેલે પાર ગ્રામજનો જઈ સકતા હોતા નથી. છેલ્લા ત્રણ દિવસથી કુંભારિયા ગામ સંપર્કવિહોણું બન્યું છે તો આ ગામમાં સરકારના અધિકારીઓ પણ જતા ના હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

 

વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય :

 

કુંભારિયા ગામના લોકોને પડતી હાલાકી અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગામમાં ૧૦૦ થી વધુ યુવાનો નોકરી માટે જતા હોય છે તે ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસ અને હોસ્પિટલના કામકાજોમાં મુશ્કેલી પડતી હોવાનું ગામના સરપંચ કાન્તીભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું જયારે ગત રાત્રીના સમયે જ ગામના એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને એમ્બ્યુલન્સ મારફત ગામમાં લઇ આવવાની પેરવી કરી હતી જોકે એમ્બ્યુલન્સ ગામમાં આવી ના સકતા ટ્રેક્ટરમાં જઈને તેના મૃતદેહને લાવવો પડ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

નવા પુલને મંજુરી : કારોબારી ચેરમેન

 

કુંભારિયા ગામના સરપંચની રજૂઆતને પગલે ૧૫૦૦ થી વધુ ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વોકળા પરના નવા પુલના કામને મંજુરી આપવામાં આવી હોવાનું જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું. તેમજ આવતા ચોમાસાથી ગ્રામજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહિ પડે તેવી ખાતરી પણ આપી હતી.

 

Comments
Loading...
WhatsApp chat