મોરબી જીલ્લાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાક માટે પાણી આપવા

માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના કાંતિલાલ બાવરવા દ્વારા ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્યને લેખિતમાં અરજી કરવામાં આવી છે કે, મોરબી જિલ્લામાં નર્મદા નહેરની ત્રણ શાખાઓ આવેલ છે. (૧) માળિયા શાખા (૨) ધ્રાંગધ્રા શાખા (૩) મોરબી શાખા અને આ ત્રણે શાખાનું કામ ઘણા સમય થયા પૂર્ણ થયેલ છે. અને આ શાખા માંથી ખેડૂતો પોતાના મશીન દ્વારા સિંચાઈ માટેનું પાણી મેળવે છે.આ ત્રણે શાખા તૈયાર થયેલ હોવા છતાં તેની માઇનોર, સબમાઈનોર, વોટેરકોર્ષ (ધોરીયા)ની કામગીરી ખુબજ ધીમી એટલે કે, ગોકળ ગાયની ગતિથી પણ ધીમી ચાલે છે અને આમાં અમુક લોકોની ઈરાદાપૂર્વકની ખરાબ નીતિના કારણે આ કામો પુરા કરવામાં આવતા નથી જેથી આ વિસ્તારના ખેડૂતોને ના છુટકે આ કેનાલો પરથી મશીન મૂકીને પોતાના ખેતર સુધી પાણી લઇ જવા માટે લાખો રૂપિયા ખર્ચીને પાઈપ લાઈન નાખવી પડેલ છે. જેના દ્વારા હાલમાં પાણી મેળવે છે. તાજેતરમાં મોરબી માળિયાના ધારાસભ્ય દ્વારા પોતાએ પ્રયત્નો કરીને તા. ૧/૦૬/૨૦૧૭ના રોજથી ખેડૂતોને પાણી આપવાની પોતે મંજુરી લઇ આવેલ છે તેવા અહેવાલો સમાચાર પત્રોમાં વાંચવા મળેલ હતા. પરંતુ અમુક કેનાલમાં ખુબ જ થોડા દિવસો પાણી ચલાવીને પાણી બંધ કરી દેવામાં આવેલ હતું. અને અમુક કેનાલોમાં પાણી ચાલે છે. તેમાં ખેડૂતોના મશીનો અધિકારીઓ દ્વારા પોલીસોને સાથે રાખીને બંધ કરાવવામાં આવેલ છે. ખેડૂતો જાણે ભાગેડુ ઉદ્યોગપતિ માલિયાથી પણ મોટા ચોર હોય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સરકાર માલિયાને તો કઈ નથી કરી સકતી પરંતુ ખેડૂતોને ગોળીએ દેશે તેમ લાગી રહ્યું છે. હાલમાં ખેડૂતો ની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે, કે જાયે તો જાયે કહા? એક બાજુ ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાવીને કપાસ જેવા પાકો નું વાવેતર કરેલ છે, જે પાક ઉગે એટલે તેને બીજું પિયત દેવુ જ પડે, જો બીજું પિયત ન મળે તો પાક નિષ્ફળ જાય અને ખેડૂતને ખર્ચ માથે પડે અને ખેડૂત દેવાળિયો થઇ જાય અને ના છૂટકે આપઘાતના રસ્તે જવા મજબુર થાય. હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને આ રસ્તે જવા મજબુર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આથી વહેલી તકે  પાણી આપવા બાબતે યોગ્ય હુકમો કરી ખેડૂતોને નુકશાન ન જાય તે પહેલા યોગ્ય નિર્ણય લઇ યોગ્ય વ્યવસ્થા કરી આ ખેડૂતોને ઉગારી લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.. જો આ માગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો આ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી હ્યુમન રાઈટ્સ એસો. દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat