મોરબીમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ઉજવાશે

આગામી તારીખ ૨૩ થી ૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ દરમિયાન સમગ્ર મોરબીમાં તમામ તાલુકાઓમાં પણ સમાંતર કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની ૫૮૮ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૪૭ રૂટમાં આ શાળાઓને આવરી લેવામાં આવશે. તારીખ ૨૩ જૂનના રોજ રૂટ પૂર્ણ થયે છેલ્લી શાળામાં તમામ શાળાઓને ક્લસ્ટર રીવ્યુ બેઠક કરવામાં આવશે. તારીખ ૨૪ જૂનના રોજ રૂટ પૂર્ણ થયે સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન દરેક તાલુકાના બી.આર.સી ભવન ખાતે તમામ રૂટના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્લોક રીવ્યુ બેઠક કરવામાં આવશે.

કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ ૧, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂઆતથી અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે મજબૂત થાય તે અંગે શિક્ષણ ક્ષેત્રે મહાન કાર્યો કર્યા છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે શિક્ષણ ક્ષેત્રે ૨૧૦૦૦ નવા ઓરડાઓ બનાવવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે સમાજનો દરેક વર્ગ સુશિક્ષિત બને તે માટે સરકારે નવા પ્રકલ્પો ઉમેર્યા છે તથા શિક્ષિત યુવાન આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.

આ તકે મોરબીમાં કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર જે.બી પટેલની અધ્યક્ષતામાં રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દિવસ દરમ્યાન સંબંધિત અધિકારીઓને સુચારુ આયોજન માટે સુચના આપવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી. એમ. સોલંકીએ મોરબી જિલ્લામાં ત્રણ દિવસ દરમ્યાન તાલુકાઓમાં યોજાનાર આ કાર્યક્રમ અંગે અધિકારીઓ સમક્ષ માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમ્યાન બાળકો દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ‘પાણી બચાવો’ અને ‘પર્યાવરણ બચાવો’ મુદ્દાઓ પર વક્તવ્ય આપવામાં આવશે

આ બેઠકમાં કલેકટરશ્રી જે.બી.પટેલ, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી એમ.એ.ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી,  સમાજ સુરક્ષા અધિકારી એ.એફ. પીપલીયા, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, મોરબી જિલ્લા પ્રાથમિક સંઘ, મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ, રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat