



મોરબી જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભાની બેઠકમાં નાની સિંચાઈના કોભાંડનો મુદો ગાજ્યો હતો તો જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનો જુથવાદ ઉડીને આંખે વળગ્યો હતો જેમાં અસંતુષ્ટ જૂથના સદસ્યો સહિતના નવ ગેરહાજર રહેતા ૧૫ જ ઉપસ્થિત રહ્યા હતા
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં રજુ થયેલા તમામ ૨૨ વિકાસકાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી તો સામાન્ય સભામા બિનખેતીની કુલ ૭૩ માંથી ૬૩ ફાઈલોને મંજુરી આપીને ૨૧૭.૧૮ એકર જમીન બિનખેતી કરવામાં આવી હતી તો હાલ મોરબી જીલ્લામાં જે નાની સિંચાઈ યોજના ખુબ ગાજી રહી છે અને નિવૃત મદદનીશ ઈજનેર સામે થયેલી ફરિયાદ બાદ આ મુદો જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ ગાજ્યો હતો અને નાની સિંચાઈ યોજના મામલે જીલ્લા પંચાયતમાં કોઈ ઠરાવ થયા ના હોવાના ખુલાસા પણ થયેલ જોવા મળ્યા હતા તે ઉપરાંત મોરબી જીલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ બની રહ્યું છે જેની સમયમર્યાદા ડીસેમ્બર ૨૦૧૮ નક્કી કરવામાં આવી હોય બિલ્ડીંગ નિર્ધારિત સમયમાં બને તે માટે નોટીસ પાઠવી હોવાની માહિતી સભામાં આપવામાં આવી હતી તો વાંકાનેરના સદસ્ય હરદેવસિંહ જાડેજાએ વાંકાનેરમાં પશુ દવાખાના મામલે રજૂઆત કરી હતી
નાની સિંચાઈ યોજનાના ઠરાવ નથી થયા : પંચાયત પ્રમુખ
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ નાની સિંચાઈ કોભાંડ સામાન્ય સભામાં જણાવ્યું હતું કે તે કામો માટે જીલ્લા પંચાયતની સામાન્ય સભા કે કારોબારીમાં કોઈ ઠરાવ થયા નથી અને કોભાંડમાં જીલ્લા પંચાયતનો કોઈ રોલ નથી તેમજ ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું
સિંચાઈના તમામ પ્રશ્નો હાલ પેન્ડીંગ રાખવાનો નિર્ણય
મોરબી જીલ્લા પંચાયતમાં સિંચાઈના વિવિધ પ્રશ્નો હોય જોકે હાલ જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને પગલે સિંચાઈના તમામ પ્રશ્નો હાલ પેન્ડીંગ રાખવાનો નિર્ણય સામાન્ય સભામાં કરવામાં આવ્યો છે
મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઠરાવ કરાશે
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને પગલે ખેડૂતો અને માલધારીઓની માઠી દશા થઇ છે તેમજ પીવાના પાણીની તંગી જેવી સ્થિતિને પગલે જીલ્લા પંચાયત દ્વારા મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે ઠરાવ કરીને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ પંચાયત પ્રમુખે જણાવ્યું છે



