મોરબી સિવિલ હોસ્પિટલમાં અધિકારીને એસીની મોજ, કર્મચારીને પંખાના ફાંફા

 એસએનસીયુ વોર્ડમાં ભરઉનાળે ગરમીમાં ફરજ બજાવવા મજબુર

મોરબી સિવિલ હોસ્પિટલ તેની સેવાઓ માટે નહિ પરંતુ અવ્યવસ્થા અને અણધડ વહીવટ માટે જાણીતી બની છે છાશવારે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ સામે આવતા હોય છે જેમાં તાજેતરમાં હોસ્પિટલના એસએનસીયુ વોર્ડમાં ભરઉનાળે ગરમીમાં ફરજ બજાવવા માટે સ્ટાફ મજબુર બન્યો છે તો બીજી તરફ અધિકારીઓની ચેમ્બરમાં એસીની સુવિધા ઉપલબ્ધ છે 

મોરબી સિવીલ હોસ્પિટલ માં દિવસે ને દિવસે સુવિધાઓ વધવાને બદલે દુવિધાઓ વધી રહી છે ગાયનેક વોર્ડની સાથે નવજાત શિશુ માટે એસએનસીયુ વોર્ડ કાર્યરત છે. તાજેતરમાં જ વિભાગીય નાયબ નિયામકના ઈન્સ્પેકશન દરમિયાન એસએનસીયુ વોર્ડના ફરજ પરના સ્ટાફને તેના જ વોર્ડમાં બેસી ફરજ બજાવવાની સુચના આપવામાં આવી છે. પરંતુ એસએનસીયુ વોર્ડના નર્સીંગ રૂમમાં પંખાની જ સુવિધા ઉપલબ્ધ નથી. અને આ અંગે વોર્ડ ઈન્ચાર્જ દ્વારા અધિક્ષકને અવાર નવાર જાણ કરવા છતાં આજ દિવસ સુધી પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. જેથી સ્ટાફને ફરજ બજાવવામાં હાલાકી પડી રહી છે.

આ વોર્ડમાં તાજા જન્મેલા શિશુઓને વિવિધ સારવાર હેતુ વોર્ડમાં રાખવામાં આવે છે. જેમાં મળ, કમળો, ઓછો વજનમાં જન્મેલા, નવજાત શિશુઓને ડોકટરની સુચના અનુસાર પેટીમાં રાખવામાં આવે છે. જેને બે-બે કલાકની અંતરે સતત દેખભાળ હેઠળ રાખવાના હોય છે. પરંતુ વોર્ડના નર્સીંગ રુમ માં જ પંખાની કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ફરજ પરના સ્ટાફને નાછુટકે બહાર બેસવું પડે છે. જેના કારણે નવજાતશિશુઓને બહાર નો ચેપ લાગવાની ભીતી પણ સેવાઈ રહી છે. ત્યારે એસીમાં બેસતા અધિકારીઓ કર્મચારીઓનું દર્દ સમજે અને પંખા જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી રહી છે 

Comments
Loading...
WhatsApp chat