મોરબીમાં મેઘમહેર બની તંત્રના પાપે કહેર, વીજ ધાંધિયાથી નાગરિકો ત્રાહિમામ

મોરબી શહેર અને જીલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવવાનું શરુ કર્યું છે જોકે દર વર્ષની જેમ મેઘમહેર તંત્રના પાપે કહેર સાબિત થઇ રહી છે કારણકે વીજતંત્રની લાપરવાહી અને આળસુ વલણને પગલે વીજધાંધિયાની સ્થિતિથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મોરબીમાં સોમવારથી શરુ થયેલ મેઘમહેર બાદ તુરંત વીજ ધાંધિયા સર્જાયા હતા અનેક વિસ્તારોમાં લાઈટ આવજા કરતી હોય તેમજ ડીમ અને હાઈ વોલ્ટેજ જેવી સમસ્યાઓ સર્જાઈ હતી તો વીજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા બણગા ફૂંકવામાં આવે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ તંત્રની પોલ ખોલી નાખી છે અને વીજ ધાંધિયાથી નાગરિકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. તો વીજતંત્ર ઉપરાંત શહેરના રસ્તાઓ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને રોડ પર ભરાતા પાણીનો નિકાલ કરવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે

પંચાસર રોડ પર થાંભલા ઝુકી ગયા

મોરબીના પંચાસર રોડ પર અનેક વીજ થાંભલા ઝુકી ગયેલા જોવા મળે છે જોકે વીજ તંત્ર પાસે સમય ના હોય જેથી અકસ્માત સર્જાય તેની રાહ જોવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે

ઇન્ક્વાયરી ફોન લાગે તો લાગે !

પીજીવીસીએલ દ્વારા આમ તો કહેવા ખાતર ઇન્ક્વાયરી જેવી સુવિધા મળે છે જેથી નાગરિકો વીજ પુરવઠો પુનઃ ક્યારે શરુ થશે તેવી માહિતી મેળવી સકે પરંતુ નાગરિકોને અનુભવ એમ કહે છે કે ઇન્ક્વાયરીના ફોન લાગતા જ નથી તો ઇન્ક્વાયરીના ફોનના રીસીવર બાજુ પર મૂકી દેવાતા હોવાના પણ આક્ષેપો લોકો કરી રહયા છે.

વાંકાનેરના રાજાવડલામાં વીજળી પડતા ભેંસનું મોત

વાંકાનેરના રાજાવડલા ગામે વીજળી પડવાથી એક ભેંસનું મોત થયાના સમાચારો પ્રાપ્ત થયા છે જેમાં રમેશભાઈ દેવાભાઈ ગમારાની ભેંસ (નાની પાડી) પર વીજળી પડતા કરુણ મોત થયું છે જે બનાવ અંગે વાંકાનેર ટીડીઓએ જીલ્લા ડીઝાસ્ટર વિભાગને રીપોર્ટ મોકલ્યો છે

Comments
Loading...
WhatsApp chat