

દિવાળીના સપરમાં દિવસોમાં સર્વત્ર હર્ષોલ્લાસ અને આનંદ કિલ્લોલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગૃહિણીઓ ઘર સજાવટમાં વ્યસ્ત છે તો યુવાનો ખરીદી કરવામાં લાગ્યા છે તેની સાથે મોરબી પંથકમાં તહેવારો નિમિતે ઠેર ઠેર નાટકો પણ ભજવવામાં આવી રહ્યા છે. વિસરાઈ રહેલા નાટકયુગને આજે પણ ગ્રામ્ય પંથક અને વાડી વિસ્તારમાં જીવંત રાખવામાં આવી રહ્યો છે.
મોરબી નજીક આવેલા શિવનગર ગામ તેમજ મોરબીના વાડી વિસ્તારમાં નાટકો ભજવવામાં આવ્યા હતા. શિવનગર ગરબી મંડળ દ્વારા શિવનગર ગામે મહાન એતિહાસિક નાટક મહાભારત અને પેટ પકડીને હસાવતું કોમિક કંકુ કજીયારી ગામના યુવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ને ગ્રામજનોએ માણ્યો હતો તેમજ કાર્યક્રમ થકી એકત્ર થયેલો ફાળો સમાજ સેવાના કાર્યોમાં વાપરવામાં આવશે તે ઉપરાંત મોરબીની કપોરી વાડીમાં ધનતેરસ નિમિતે એતિહાસિક નાટક સુર્યા વીરાંગના ભજવવામાં આવ્યું હતું. પ્રાચીન રાજવી પરિવારની ઝલક નાટકમાં જોવા મળી હતી. જેમાં રાજાઓના વેશભૂષામાં સજ્જ થઈને યુવાનોએ સત્યનો વિજય ઉક્તિને સાર્થક કર્યું હતું. મોરબીના વાડી વિસ્તારમાં નાટક યુગને જીવંત રાખવા વર્ષોથી નાટકો ભજવવામાં આવી રહ્યા છે અને લોકો નાટક દ્વારા મનોરંજન મેળવી રહ્યા છે.