Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નાની સિંચાઈ કોભાંડમાં હળવદના ધારાસભ્યની મોરબી પોલીસ દ્વારા પૂછપરછ

સિંચાઈ કોભાંડમાં કોંગ્રેસ ધારાસભ્યની પૂછપરછ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ એ ડીવીઝન પોલીસ મથક પહોંચ્યા

મોરબી જીલ્લામાં ખુબ ગાજેલું અને કરોડોનું મસમોટું સિંચાઈ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ માસથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહયા છે ત્યારે આજે સિંચાઈ કોભાંડની તપાસ ચલાવતી એ ડીવીઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્યને પૂછપરછ માટે બોલાવતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ થયેલા ૩૩૪ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદ સાંસદ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં રાજ્ય સરકારની ટીમોએ કરેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો અને ફરિયાદ બાદ નિવૃત મદદનીશ ઈજનેર સહીત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી

તો સિંચાઈ કોભાંડની સઘન તપાસ ચલાવતા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમ અને એલસીબી સહિતની ટીમે આજે હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાને પૂછપરછ માટે એ ડીવીઝન બોલાવ્યા છે અને કોભાંડ અંગે ધારાસભ્યની સઘન પૂછપરછ ચલાવવામાં આવી રહી છે તો કોંગ્રેસી ધારાસભ્યની પૂછપરછને પગલે અનેક આગેવાનોમાં પણ દોડધામ મચી ગઈ છે અને સિંચાઈ કોભાંડમાં ધારાસભ્યની અટકાયત કરાય છે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે

કોંગ્રેસી ધારાસભ્યની પૂછપરછને પગલે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી ગયા છે તો જીલ્લા એસપી વાઘેલા પણ એ ડીવીઝન પોલીસ મથકે હાજર છે અને સઘન પૂછપરછનો દોર ચાલી રહ્યો છે જોકે ધરપકડ અંગે પોલીસ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી અને સિંચાઈ કોભાંડમાં પૂછપરછ માટે ધારાસભ્ય સાબરીયાને બોલાવ્યા હોવાનું જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat