



વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ છે. હાલ ST તંત્ર દ્વારા વાંકાનેરથી માટેલ યાત્રાધામના રૂટ માટે સ્પેશિયલ નવી બસ ફાળવવામાં આવી છે. જેને પગલે માઇ ભક્તોમાં ઉત્સાહની લાગણી છવાઈ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજથી 3 દિવસ પૂર્વે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી ૩૨૧ એસટી બસને લીલી ઝંડી આપી તેનું લોકાર્પણ કર્યું હતું. ૧૦૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસોમાં ૧૬૨ મીડી બસ, ૯૯ સ્લીપર બસ, ૫૮ લક્ઝરી બસોનો સમાવેશ કરાયો છે. ત્યારે ST દ્વારા આ બસ પૈકી એક બસ સ્પેશિયલ વાંકાનેર-માટેલ રૂટ માટે ફાળવવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે માટેલ યાત્રાધામની ધરામાં મા ખોડિયાર નિવાસ કરે છે જેની રક્ષા એક મગર કરે છે. આ ધરાની ઊંડાઈ માપવા તંત્ર ઘણું મથ્યું છે પણ તેનો તાગ મેળવી શકાયો નથી. દર મહિનાની પૂનમના દિવસે પોતાની માનતાઓ પૂરી કરવા માટે દેશ પ્રદેશથી જનમેદની ઉમટી પડે છે, છતાં વાંકાનેરથી સીધા માટેલ યાત્રાધામમાં દર્શન કરવા જવાના રૂટ પર કોઈ બસ ફાળવવામાં આવી ન હતી. જેને પગલે ભક્તજનોને ઢુંવા ચોકડી ઉતરવું પડતું હતું
આ બાબતની લેખિત અને મૌખિક રજુઆત પણ માટેલ ધામ ટ્રસ્ટ દ્વારા પણ અનેક વખત કરવામાં આવી હતી. ત્યારે હાલ ST તંત્ર દ્વારા સ્પેશિયલ બસ ફાળવતા ખુશીનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે માટેલ ધામને આ નવી બસ ફાળવવામાં જયુભા જાડેજાનો મોટો ફાળો રહ્યો છે.



