

મોરબી પાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચ, રોજમદારોને કાયમી કરવાની માંગ સહિતના પ્રશ્નો અન્વયે લડત ચલાવી રહ્યા છે જેમાં ગત બુધવારથી ત્રણ દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ વિવિધ આંદોલનના કાર્યક્રમો આપી રહ્યા છે જેમાં આજે આશ્ચર્યજનક રેલી યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ જો સરકાર પાલિકાના કર્મચારીઓની માંગણી નહિ સ્વીકારે તો સરકાર ઘરભેગી થઈ જશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ આજે કર્મચારીઓએ આક્રોશપૂર્ણ રીતે સરકાર વિરોધી દેખાવો કરીને માંગણી સ્વીકારવામાં ના આવે તો આગામી તા. ૨૪ થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે અને તેમ છતાં સરકાર માંગો ના સ્વીકારે તો આત્મ વિલોપન સુધીના પગલા ભરવામાં આવશે તેમ પણ આક્રોશ સાથે જણાવ્યું હતું. પાલિકાના કર્મચારીઓએ આજે નહેરુ ગેઇટ ચોકમાં થાળી વેલણ નાદ કરી આકાશ ગજાવ્યું હતું.