


મોરબીની મચ્છુ નદીમાં અમદાવાદ સાબરમતી જેવો રીવરફ્રન્ટ બનાવવાની યોજનાને મંજુરી મળી છે પરંતુ પાણી વગર હોડકા કેવી રીતે તરશે તેવા સવાલો ઉઠાવીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે તંત્રને જરૂરી સૂચનો આપ્યા છે.
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઝુલતા પુલ નીચે જે પાઝ તોડી નાખેલ છે તે વરસાદ પહેલા પાંચ ફૂટ ઉંચી કરવામાં આવે તો શોભામાં અભિવૃદ્ધિ થાય અને મોરબી ૨ વિસ્તારના બોરના પાણીના સ્તર ઊંચા આવે. મચ્છુ નદીમાં રીવરફ્રન્ટ બનાવાય તે સારી વાત છે પરંતુ પાણી વગર હોડકા કેવી રીતે તરે તે માટે તંત્રએ વિચારવું જોઈએ.
ઝૂલતો પુલ મોરબી સ્ટેટના વખતમાં બનેલો છે જેમાં બહેનો અને ભાઈઓને ન્હાવા માટે નાની પાઝ બનાવી હતી પરંતુ ગાંડી વેલને કારણે રાઉન્ડ પાઝ તોડી નાખી છે ત્યારે પાણી રોકવા માટે આ પાઝ પાંચ ફૂટ ઉંચી બનાવી નાખે તો પાણીનો સંગ્રહ થાય જેથી મોરબીની મચ્છુ નદીમાં હોડકા તરતા જોવા મળે અને શોભામાં પણ વધારો થાય ત્યારે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

