Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ પોલીસે નિરાધાર યુવતીને કેવી રીતે આપ્યું નવજીવન ? જાણો અહી….

પ્રેમમાં દગો મળતા આપઘાતનો કર્યો'તો નિર્ધાર હળવદ પોલીસે કન્યાદાન કરી સાસરે વળાવી

સાણંદની એક યુવતી પ્રેમી સાથે ભાગીને હળવદ આવી હોય જોકે બાદમાં યુવતીને ખબર પડી હતી કે તેણે ચાંદ તારા દેખાડનાર પ્રેમી તો પહેલેથી જ પરિણીત છે ત્યારે યુવતી ભાંગી ગઈ હતી અને જીવન ટૂંકાવી લેવા રેલ્વે ટ્રેક પર દોડી ગઈ હતી જોકે પોલીસે યુવતીને બચાવી લીધી હતી તો બાદમાં હોમગાર્ડના જવાન સાથે પરણાવી પોલીસે કન્યાદાન કરીને પિતાની ફરજ નિભાવી હતી.

સાણંદ તાલુકાના ગીતપુરા ગામની રીપલ વાણીયા નામની યુવતીને એક યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રેમી પંખીડાઓ ભાગીને હળવદ આવી ગયા હતા અને હળવદના સરંભડા ગામે નવજીવનની શરૂઆત કરી હતી જોકે જન્મોજન્મ સાથે નિભાવવાની કસમ ખાધા બાદ રીપલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જયારે તેણે માલૂમ પડ્યું હતું કે રીપલનો પ્રેમી પરિણીત છે અને પ્રેમી મહેશે તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લીધું હોય જેથી પ્રેમમાં દગો મળતા યુવતીએ રેલ્વે નીચે કપાઈ જઈને જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો.

હળવદ પોલીસને યુવતીના આપઘાતની જાણ થઇ હતી અને રીપલને સમજાવી તેણે આપઘાત કરતા રોકી લીધી હતી તેમજ ૧૮૧ હેલ્પલાઈનની ટીમને પણ જાણ કરતા યુવતીની મદદ માટે ૧૮૧ ટીમ પણ દોડી આવી હતી અને મહિલા હેલ્પલાઇન ટીમે રીપલના પિતાને ફોનથી સંપર્ક કર્યો હતો જોકે પિતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તેણે રીપલ સાથે કોઈ જ લેવાદેવા નથી આમ પ્રેમમાં દગો અને બાદમાં પરિવાર દ્વારા તરછોડી દેવાતા યુવતી નિરાધાર બની હતી

જેને પગલે હળવદ પોલીસના વસંતભાઈ વઘેરા અને અન્ય સ્ટાફે રીપલને આત્મહત્યા નહિ કરવા સમજાવી હિમત અને સાંત્વના પૂરી પાડી હતી તેમજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા જસમતભાઈ છગનલાલ સોલંકી નામના યુવાન કુંવારા હોય અને રીપલબેનની મરજીથી બંનેના લગ્ન કરાવી દેવાયા હતા. હળવદ તાલુકાના દશામાંના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી તો હળવદ પોલીસે યુવતીનું કન્યાદાન કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરી જીવનનો રસ ગુમાવી ચુકેલી અને એક ભૂલ થી મુશ્કેલીમાં મુકાયેલી યુવતીને નવજીવન આપીને હળવદ પોલીસે સરાહનીય કાર્ય કર્યું છે અને સૌ કોઈ આ કાર્યને બિરદાવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat