


મોરબીના લૂંટાવદર ગામે સોમવારે રાત્રીના સમયે સોની વેપારીને બાઈક પર આવેલા ત્રણ શખ્શો આંખમાં મરચાની ભૂકી છાંટી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી નાસી ગયા છે ત્યારે લૂંટારૂઓને દબોચી લેવા પોલીસની વિવિધ ટીમ તપાસ ચલાવી રહી છે.
મોરબી તાલુકાના લૂંટાવદર ગામના વતની ધીરજલાલ શિવલાલ પારેખ (ઊવ ૬૫) વાળા સોની વેપારી પીપળીયા ચાર રસ્તા નજીક અંબિકા જવેલર્સ દુકાનના સંચાલક સોમવારે રાત્રીના દુકાન બંધ કરી ઘરે પરત ફરતા હોય ત્યારે બાઈકમાં આવેલા ત્રણ ઈસમો આંખમાં મરચાની ભૂકી છાંટી સોની વેપારી પાસે રહેલો ચાંદીના દાગીના ભરેલો થેલાની લૂંટ ચલાવી ફરાર થયા હતા જે મામલે ભોગ બનનાર સોની વેપારીએ તાલુકા મથકમાં સાત કિલો ચાંદીના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે તો લૂંટારૂઓને દબોચી લેવા માટે એફએસએલ અને ડોગ સ્કવોડ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે તે ઉપરાંત એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
કેવી રીતે બચ્યો સોનાના દાગીનાનો થેલો ?
સોની વેપારી ઘરે જતા હોય ત્યારે ચાંદીના દાગીના ભરેલો એક થેલો તેમજ અન્ય થેલામાં સોનાના દાગીના હોય અને ગામ તરફ વળવાના રસ્તે લૂંટારૂઓ પાછળ આવ્યા બાદ વેપારી સાથે ઝપાઝપીમાં બાઈક પડી ગયું હતું સાથે જ સોનાના દાગીના ભરેલો થેલો પડી ગયો હોય જે બાઈક નીચે દબાઈ જતા સોનાના દાગીના ભરેલો થેલો બચી ગયાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

