


દરેક વ્યક્તિ માટે તેનું ઘર ખુશીઓનું સરનામુ હોય છે. પરંતુ આધુનિક યુગમાં ઘર મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે મોરબીમાં તો એવો કિસ્સો બન્યો જેનાથી દરેક નાગરિકો માટે લાલબતી સમાન બની ગયો છે. જ્યાં મકાન માલિકે ઘરની પુરી કિંમત તો વસૂલી લીધી પરંતુ તેના બદલામાં નબળું બાંધકામ આપી દીધું. આ મામલે જયારે ગ્રાહકે મકાન રીપેર કરવાની વાત કરી તો મકાન માલિકે દુર્લક્ષતા દાખવી હતી. જે બાદ સમગ્ર કેસ ગ્રાહક સુરક્ષા મંડળ પાસે પહોંચ્યો હતો અને અને ગ્રાહકને ન્યાય મળ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હરિઓમ પાર્કમાં રહેતા અનસોયાબેન પાઠકે મોરબીના લાલજીભાઇ દેવકરણભાઇ ગામી પાસેથી મકાન ખરીદ કરેલ પરંતુ બાંધકામ નબળુ હતું પ્લાસ્ટર તથા કલર ઉખડી જતાં મકાન રીપેર કરી આપે તેવી માંગણી અનસોયાબેને મકાન માલીક પાસે કરી હતી. પરંતુ મકાન માલીકે કોઇ દાદ આપેલ નહીં.
જેથી અનસોયાબેને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો. લાલજીભાઇ મહેતા દ્વારા કોન્ટ્રાકટર કમ મકાન માલીક લાલજીભાઇ ગામી સામે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અદાલતે અનસુયાબેન પાઠકની તરફેણમાં ચુકાદો જાહેર કરીને બાંધકામમાં થયેલ નુકસાનનું સંતોષકારક રીપેરીંગ કરી આપવું અને અનસોયાબેનને ૧૦૦૦ ખર્ચ ચુકવવાનો હુકમ કરેલ છે.
આ અંગે લાલજીભાઇ મહેતાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં મકાન બનાવીને ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બનાવી આપે છે આ એક જાતની છેતરપીંડી ગણવામાં આવે છે. ગ્રાહકે મકાન લેતા પહેલા તેના તમામ કાગળો જોઇને તપાસી લેવા જરૂરી છે અને મકાનમાં જે જાતની સુવિધા તેના પેમ્પ્લેટમાં લખેલ છે તે પ્રમાણે છે કે નહીં તેની તપાસ કરવી જોઇએ જમીન કે મકાન લેતા પહેલા ગ્રાહકે વિચારવું જોઇએ અને જણાવવું જોઇએ. ગ્રાહકે પોતાના હકક-હિત માટે લડત કરવી જોઈએ. તદુપરાંત કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (મોં.98257 90412) પર તેમનો સંપર્ક કરી શકે છે.

