એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ પડતર પ્રશ્નો અંગે લાંબા વખતથી લડત ચલાવી રહ્યા છે જોકે પડતર પ્રશ્નો અંગે કોઈ નિવેડો નહિ આવતા એસટી મઝદૂર સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા ગુજરત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિત રજૂઆત કરવામાં આવી છે સંઘના પ્રમુખ ડી.એન. ઝાલા, કા.પ્રમુખ બી.એસ. ઝાલા અને મહામંત્રી મહેશ વેકરીયાની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનમાં પડતર પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે જેમાં રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ સાતમાં પગારપંચનો લાભ એસટી નિગમના કર્મચારીઓને ચુકવવા, પરિપત્ર નં ૨૦૭૭ કર્મચારીઓ ના હિત વિરોધી હોય જે રદ કરવો, ડ્રાઈવર કમ કંડકટર કક્ષાના કર્મચારીઓને કોઈપણ એક જ કક્ષામાં સમાવેશ કરવો અને એક જ ફરજ સાથે વતનનો લાભ આપવાની માંગ કરવામાં આવી છે.

તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર ચૂકવવો તથા કાયમી કરવા અને તે મુજબ પગારભથ્થાઓ ચુકવવા માંગ કરી છે.જીપીએસના ઓઠા હેઠળ ડ્રાઈવર કંડકટર કર્મચારીઓને મેમો, ચાર્જશીટ આપી આર્થિક નુકશાન માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે જે અટકાવવું. નિગમની બસોમાં શેડ્યુલનો રનીંગ ટાઈમ સુધારવો અને નિયમો અનુસાર ઓવરટાઈમ ચુકવવા, મહિલા કર્મચારીઓ માટે ડેપોમાં આરામગૃહ, ટોયલેટ, બાથરૂમની અલગ વ્યવસ્થા કરવી, વર્ષોથી બ્લુ ડાંગરી કે ખાખી ગણવેશ અપાયેલ નથી જે ગણવેશ આપવા અને બાકીનું ચુકવણું કરવું. વોલ્વો બસ નિગમને મોટી ખોટ પહોંચાડતી હોય જેથી કોન્ટ્રાકટ રદ કરવા અને વોલ્વો બસ ભાડે ના લેવા, તેમજ ડ્રાઈવર-કંડકટર વર્ગ ૩ ની કક્ષામાં આવતા હોય જે મુજબ પગારધોરણ આપવાની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat