હળવદમાં કપાસનો પૂરો ભાવ નહિ મળતા ખેડૂતોનો ચક્કાજામ, હંગામો

ચાલુ વર્ષ દરમિયાન સારો વરસાદ વરસતા કપાસ,મગફળી જેવા પાક ભરપુર પ્રમાણમાં થયો છે. જયારે સામા છેડે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની રજુઆતો વારંવાર કરવામાં આવતા છતા પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જેમાં આજ રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના ભાવને લઈને ચક્કાજામ કર્યો હતો અને ખેડૂતો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. હજુ તો ગઈકાલે જ કપાસના ૧૦૦૦ રૂપિયા ભાવથી હરાજી કરવામાં આવતી હતી જોકે આજે કપાસના ભાવો ઓચિંતા ઘટી જવાથી ખેડૂતો રોષે ભરાયા હતા. કપાસના પુરા ભાવો મળતા ના હોવાથી ખેડૂતોએ આજે હળવદના માર્કેટિંગ યાર્ડમાં હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો તેમજ યાર્ડ નજીકથી પસાર થતા વાહનોને રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે હળવદ પોલીસે સમયસર સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્ય હતો જેથી ટ્રાફિકની સ્થિતિ સામાન્ય બની હતી તો બનાવની જાણ થતા હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા જેને ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને કપાસના ભાવો ઘટ્યા હોવાનું જણાવ્યું હતું છતાં ખેડૂતોને પૂરતા ભાવો મળે તે માટે વેપારીઓને યોગ્ય કરવા જણાવ્યું હતું. ખેડૂતોને કપાસના ભાવો અંગેના વિવાદ મામલે મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે કપાસના ભાવો ગઈકાલે ૧૦૦૦ હતા જે આજે ઘટીને ૯૩૦ રૂપિયા થયા હતા જેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો જોકે વેપારીઓને તાકીદ કરી છે અને ખેડૂતોને યોગ્ય ભાવો મળવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે.

Comments
Loading...
WhatsApp chat