

વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત આ વિધાનસભા માં અનામત આંદોલનના હાર્દિક પટેલ, વ્યસનમુક્તિ અને યુવાનોને રોજગારી જેવા મુદે આંદોલન ચલાવીને ઉભરેલા અલ્પેશ ઠાકોર જેવા પરિબળ એ ચુંટણીજંગને રસપ્રદ બનાવ્યો છે. અલ્પેશ ઠાકોર તમામ જિલ્લાઓમાં જનાદેશ મહા સંમેલન યોજી રહ્યો છે જેમાં આજે મોરબી ખાતે સંમેલનમાં હાજરી આપી હતી જોકે આજે રાજનીતિ અંગે કોઈ સ્પષ્ટતા કરી ના હતી અને આગામી તા. ૯ સુધી રાહ જોવા જણાવ્યું હતું.
મોરબી ખાતેના જનાદેશ મહા સંમેલનને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે તમામ જીલ્લામાં કાર્યકરોને મળીને લોકોની ઈચ્છા જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે. આજે મોરબી ખાતે ૨૬ માં જીલ્લાનો પ્રવાસ કરીને અલ્પેશ ઠાકોરે જનાદેશ સંમેલનમાં હાજરી આપી હતી. રાજનીતિ કરવી છે તો કેવી કરવી છે ? રાજ્યમાં કોઈ બેરોજગાર ના રહે. દરેકને શિક્ષણ મળે, રાજ્યમાં દારૂ ના મળે અને ખેડૂત દુખી ના હોય તેવી સરકાર બનાવવી છે. ૨૬ જીલ્લામાં જનાદેશ સંમેલનમાં કાર્યકરો અને લોકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તો રાજનીતિ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ છે જેથી આડકતરી રીતે ત્રીજા મોરચાને નકારી કાઢ્યો હતો તે ઉપરાંત જણાવ્યું હતું કે ડુંગળી, મરચું અને રોટલો ખાઈ લેશું પરંતુ સરકાર તો અમારી જ બનાવીશું. સંમેદનશીલ સરકાર બનાવવી છે. તેના પર કાર્યકરોના ઉત્સાહ અને અપેક્ષાઓની જવાબદારી હોય તે મુદાની રાજનીતિ કરશે તેવા સંકેતો આપ્યા હતા તો હાલ રાજકીય ભાવી વિષે સ્પષ્ટ જવાબ આપવાને બદલે તા. ૯ સુધી રાહ જોવાનું જણાવ્યું હતું. કોઈપણ સમાજ હોય ક્યાં સુધી આંદોલન કરશે તેમ જણાવીને અલ્પેશ ઠાકોરે તેમનો સમાજ શિક્ષણ અને વેપારમાં પછાત હોવાનું જણાવ્યું હતું તેમજ સમાજને માંગવાથી નહિ મળે, બે મહિના મને આપો પછી બે પેઢીને સુધારી દઈશું તેવી અપીલ પણ કરી હતી.