

કુવામાં પડી જતા મોત
મોરબીના બરવાળા ગામનો રહેવાસી યુવાન દીપક મનસુખભાઈ પરમાર (ઉ.વ.૨૦) કાલે રાત્રીના સમયે ગામમાં આવેલ તળાવના કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. યુવાન અકસ્માતે પડી ગયો છે કે આપઘાતનો બનાવ છે તે જાણી સકાયું નથી. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
૧૨ વર્ષની બાળાનું મોત
વાંકાનેરની લુહાર શેરીના નાકા પાસેથી જુબેદા સલીમ પઠાણ (ઉ.વ.૧૨) રહે. સો-ઓરડી મોરબી વાળી બાળાનો મૃતદેહ મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડીને વધુ તપાસ ચલાવી છે તેમજ બાળાનું મોત ક્યાં કારણોસર થયું તે જાણવા તપાસ હાથ ધરી છે.
એસીડ પી જતા પરિણીતાનું મોત
મોરબીના લીલાપર રોડ પરની હોથીપીર દરગાહ નજીક રહેતા નીલમબેન મયુરભાઈ મકવાણા (ઉ.વ.૨૦) નામની પરિણીતા ગત ૨૬ ના રોજ સવારે પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી જતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પરિણીતાનો લગ્નગાળો નવ માસનો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ હળવદ નજીકના સુખપર કવાડિયા નજીક રહીને મજુરી કરતો યુવાન મનીષકુમાર ઉગ્રસેન કુશવાહ (ઉ.વ.૨૨) વાળા સુખપર કવાડીયા ગામે નર્મદા કેનાલમાં ન્હાવા પડતા અકસ્માતે કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત થયું છે. હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.