


રાજ્ય સરકાર દ્વારા મોરબી જીલ્લાની નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી જાહેરાતને પગલે ખેડૂતોએ રવિપાકનું વાવેતર કરી દીધું છે જોકે મોરબી તાલુકાના છેવાડાના ગામોને પાણી મળતું નથી જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે મોરબી તાલુકાના ૨૨ ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો હતો અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે
જેમાં જણાવ્યું છે કે સરકારે તા. ૧૨-૧૧ ના રોજ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી જાહેરાતને પગલે ખેડૂતોએ દેવું કરીને જીરૂનું વાવેતર કર્યું છે પરંતુ પાણી ચોરી થતી હોય જેથી બ્રાહ્મણી ડેમ સુધીમાં પોલીસ અથવા એસઆરપી બંદોબસ્ત મુકવા અને મોરબી તાલુકાના નવા સાદુળકા સુધીના ૨૨ ગામોને પાણી મળે તેવી માંગ કરી છે અને પાણી ચોરી રોકવા કાર્યવાહી કરવામાં નહિ આવે તો ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
આ રજૂઆત મામલે અધિક કલેકટર કેતન જોષીએ પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તે માટે સરકાર સાથે પરામર્શ ચાલુ છે અને પાણી ચોરી રોકવા પૂરતા પ્રયત્નો કરીને અધિકારીઓને કેનાલ પર મોકલીને પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ કરવામાં આવશે અને સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થાની ખાતરી આપી હતી