માળિયા બ્રાંચ કેનાલમાં સિંચાઈ માટે પાણી નહિ મળતા ખેડૂતો આંદોલનના માર્ગે


માળીયા મિયાણા તાલુકામાં નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે ખેડૂત હિતરક્ષક સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જો ૧૯મી સુધીમાં પાણી આપવામાં નહિ આવે તો આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેથી આજ સુધી ખેડૂતોને પાણી નહિ મળતા ખેડૂતોએ રેલી સ્વરૂપે કેનાલ પર જઈને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ શરુ કર્યા છે.
ચાલુ વર્ષ દરમિયાન નહીવત વરસાદને કારણે જગતના તાતની પરિસ્થિતિ કપરી બની છે ત્યારે એક બાજુ સરકાર દ્વારા કેનાલમાં પાણી તો છોડવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર માળિયા તાલુકાના છેવાડા વિસ્તાર સુધી પહોચતું ન હોય જેથી માળિયા તાલુકાના ખેડૂતો બેહાલ થયા છે ત્યારે માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી છે તો ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતનો દોર ચાલુ રાખવા છતાં આજદિન સુધી પાણી નહિ મળતા ખેડૂતોએ માળીયાના ખાખરેચી ગામથી કેનાલ સુધીની રેલી કાઢીને કેનાલ પર જ ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે.તેમજ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ખરીફપાકમાં નિષ્ફ્ળતા બાદ હવે અપૂરતું પાણી છોડવાથી રવિપાકને પૂરતું પાણી મળી ન શકે તેમ હોવાથી ખેડૂતોની ગંભીર સ્થિતિ સર્જાઈ છે તેથી આ બાબતે સરકાર વહેલી તકે માળિયા તાલુકાના ખેડૂતોને પાણી આપે જેથી રવિપાક બચી શકે અને ભરણપોષણ થઇ શકે.



