આમાં સુખાકારી ક્યાંથી આવે ? પાલિકામાં ઈજનેરોની જગ્યા જ ખાલી !

રોશની, પવડી સહિતના વિભાગમાં ઈજનેર જ નથી.

મોરબી નગરપાલિકાને રાજ્યની એ ગ્રેડ પાલિકામાં સ્થાન આપવામાં આવ્યું છે જોકે આ એ ગ્રેડ નગરપાલિકામાં વર્ષોથી ટેકનીકલ બ્રાંચમાં ઈજનેરની જગ્યા ખાલી પડી છે. નાગરિકોને લાઈટ, પાણી અને રોડ રસ્તા તેમજ ભૂગર્ભ જેવી સુવિધાઓ આપવા માટે ટેકનીકલ વિભાગમાં ઈજનેરની ખાલી જગ્યાઓ પડી છે તેનું કામકાજ ક્લાર્ક અથવા તો પટ્ટાવાળા સાંભળી રહ્યા છે આ સાંભળીને આંચકો જરૂર લાગશે પરંતુ આ સત્ય છે. પાલિકાની કડવી વાસ્તવિકતા છે કે એ ગ્રેડ પાલિકામાં ઈજનેરની ખાલી જગ્યાઓ ભરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોને રોજ વિતરણ કરવામાં આવતા પાણીના શુદ્ધિકરણની જવાબદારી રોજમદારો નિભાવી રહ્યા છે. તો ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ, બાંધકામ પરવાનગી જેવી કામગીરી ઈજનેરને કરવાની હોય છે તે કામગીરી ક્લાર્ક સાંભળી રહ્યા છે. એક દસકા જેટલા સમયથી મોરબીના પવડી વિભાગ, રોશની વિભાગ, ભૂગર્ભ સહિતના વિભાગો રામભરોસે ચાલી રહ્યા છે. ઓદ્યોગિક નગરી મોરબી આજે વિકાસની હરણફાળ ભારે છે ત્યારે શહેરમાં સુવિધાના કામો એવા કર્મચારીઓ જોઈ રહ્યા છે જેને ટેકનીકલ સુઝબુઝ નથી અથવા તો ટેકનીકલ જ્ઞાન જ નથી. જેને પગલે રોડ રસ્તા જેવા કામોમાં કોન્ટ્રાકટરો પોતાની મનમાની ચલાવી રહયા છે. પાલિકાના હેડક્લાર્ક જણાવે છે કે ઈજનેરોની ખાલી જગ્યા ભરવા માટે સરકારમાં અનેક રજુઆત કરી છે જોકે ખાલી જગ્યા ભરવા માટે સરકાર ઉદાસીન વલણ દાખવે છે જેથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.

Comments
Loading...
WhatsApp chat