આંદોલનનો આઠમો દિવસ : માળિયાના ખેડૂતોને કાલે સાંજ સુધીમાં પાણી માટે તેવી આશા બંધાઈ
પૂર્વ ધારાસભ્યની મહેનત રંગ લાવી હોવાનો દાવો




માળિયાના ખેડૂતો બ્રાંચ કેનાલમાં રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલન સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે તો મંગળવારે સાંજ સુધીમાં પાણી પહોંચી જાય તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે
માળિયા બ્રાંચ નહેર નર્મદા શાખા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ માળિયાના છેવાડાના પાણીથી વંચિત ગામના ખેડૂતો રવિપાક માટે સિંચાઈનું પાણી મળે તેવી માંગ સાથે આંદોલન ચલાવી રહયા છે અને સોમવારે આંદોલનના સતત આઠમાં દિવસે ખેડૂતોએ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યા છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે માળિયા બ્રાંચ કેનાલમાં પાણી જુના ઘાંટીલા ગામ સુધી પહોંચ્યું છે અને ઝડપથી કુંભારીયા ખાખરેચી સુધી પહોંચશે
મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે તા. 24.11.18 શનિવારના રોજ કરેલ મુલાકાત બાદ અને માળિયા બ્રાન્ચ કેનાલના અધિકારીઓને મળેલ સૂચના બાદ ઢાંકીથી પાણી છોડવાના લેવલમાં વધારો કરવામાં આવ્યો છે તથા માળિયા તાલુકામાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડવા અભિયાન આદરવામાં આવ્યું છે. તે ઉપરાંત કિ. મી. 0.00 થી કિ. મી. 70.00 તથા કિ. મી.70.00 થી કિ. મી. 93 ના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચાલતી બકનળીઓ બંધ કરવા, પાણીચોરી અટકાવવા, તમામ ડિસ્ટ્રીબ્યુટરી બંધ કરાવવા, એસ આર પી અને પોલીસનું સઘન રાત દિવસ પેટ્રોલિંગ કરાવવા માટે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈએ સૌરાષ્ટ્ર શાખા નહેર અધિકારીઓ અને જીલ્લા કલેકટર સાથે કરેલી ચર્ચાને પગલે યોગ્ય કાર્યવાહી થઇ રહી છે
તો આ મામલે ખેડૂત હિત રક્ષક સમિતિના ખેડૂત અગ્રણી સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે ખેડૂતોએ કરેલી માંગ પ્રમાણે તંત્ર અને એસઆરપી ટીમ સુરેન્દ્રનગર વિસ્તારમાં પાણીચોરી રોકવા કદમો ઉઠાવી રહ્યા છે અને મંગળવારે સાંજ સુધીમાં પાણી પહોંચી જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે



