



મોરબીના રણછોડનગર વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન સર્જાયો હોય આજે મહિલાનું ટોળું કલેકટર કચેરી દોડી ગયું હતું અને જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મોરબીના રણછોડનગરના રહીશોએ આવેદન આપીને જણાવ્યું છે કે તેના વિસ્તારમાં પીવાના પાણીની મેઈન લાઈન બાજુમાં આવેલ અમૃતપાર્કના નાગરિકોએ દસ દિવસથી બંધ કરી દીધી છે. આ વિસ્તારમાં ૪૦૦૦ લોકો વસવાટ કરે છે જેને પીવાના અને રોજીંદા વપરાશનું પાણી મળતું નથી જેથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા જાહેર પાણીની જે લાઈન બંધ કરવામાં આવી છે તેને ચાલુ કરવામાં આવે તે ઉપરાંત જણાવ્યું છે કે બાજુની સોસાયટી અમૃતપાર્કના રહીશો ઉગ્ર સ્વભાવ અને વિવાદિત મારામારી કરે તેવા હોવાથી આ બંને સોસાયટીના લોકો વચ્ચે પાણી મામલે જૂથ અથડામણ કે મારામારીનો બનાવ ના બને તેવા હેતુથી પોલીસ બંદોબસ્ત રાખીને કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. આજે નગરપાલિકાના કર્મચારીઓ આવ્યા હતા જેને અમૃતપાર્કના રહીશોએ લાઈન ચાલુ કરવા દીધી નથી જેથી પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાય જાય અને કોઈ અથડામણ ના થાય તેવા તકેદારીના પગલા લેવાની માંગ કરવામાં આવી છે. જીલ્લા કલેકટર હાજર ના હોવાથી અન્ય અધિકારીએ મહિલાઓની રજૂઆત સાંભળી હતી તેમજ પાણી પુરવઠા બોર્ડ સાથે મસલત કરી પ્રશ્નના ઉકેલની ખાતરી આપી હતી.

