ડોક્ટર્સ ડે : મોરબીના ડો. કાતરિયા ૩૬ વર્ષથી કરી રહ્યા છે દર્દીઓની અવિરત સેવા

રજાના દિવસો પણ દર્દીઓને અર્પણ કર્યા, ૧૦૦ બેડની આંખની હોસ્પિટલ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા, સરકારે આપી આંખની હોસ્પિટલને મંજુરી

આમ તો સરકારી હોસ્પિટલ પ્રત્યે દર્દીઓમાં સુગ જોવા મળતી હોય છે અને આર્થીક રીતે નબળી સ્થિતિના લોકો જ સરકારી દવાખાનાના પગથીયા ચડતા હોય છે જોકે મોરબીમાં ઉલટી સ્થિતિ છે કારણકે મોરબીની આંખની હોસ્પિટલમાં એવા સેવાભાવી તબીબ ઈશ્વરે આપ્યા છે કે જેમની સેવાની સુવાસ માત્ર મોરબી પુરતી ના રહેતા સમગ્ર ગુજરાતમાં તેમની સુવાસ ફેલાયેલી છે

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ૧૯૮૩ માં આંખના સર્જન તરીકે ડો. વી. સી. કાતરિયાની નિમણુંક થઈ હતી ત્યારથી જ તેમને દર્દીઓની સેવા કરવાના ધ્યેયને જીવનમંત્ર બનાવી સતત ૧૨ કલાક સુધી તબીબી સેવા ચાલુ રાખતા અનેક વિક્રમો તેમના નામે લખાઈ ચુક્યા છે તેમની લગન અને દર્દીઓની સેવા કરવાની લાગણીને પગલે જ મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૧૯૯૮ માં અલગ આંખની હોસ્પિટલ બનાવી દીધી છે. ૨૦૧૭ માં સેવા નિવૃત થયા બાદ ડો. વી. સી. કાતરિયાએ સરકાર સમક્ષ સેવા ચાલુ રાખવા માંગણી કરતા સરકારે તેઓને બે વર્ષ માટે તબીબી સેવા ચાલુ રાખવા તક આપી છે અને આજે નિવૃત્તિ બાદ પણ સવારે સાત થી સાંજના સાત સુધી તેઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે

મોરબીના જ નહિ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી લોકો તેમની પાસે જ આંખના ઓપરેશન કરાવવા આવી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ ૧૯ લાખ દર્દીઓને તપાસી ૨.૫ લાખ દર્દીઓના ઓપરેશન કરી આજે નિવૃત્તિ બાદ પણ સતત ૧૨ કલાક હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. નિવૃત્તિ બાદ સેવા આપી રહેલા આ યુવાન ડોક્ટર આજે પણ દરરોજ ૫૫૦ દર્દીઓને તપાસે છે અને ૫૦ દર્દીઓના ઓપરેશન કરે છે અત્યાર સુધીની તબીબી સેવા દરમિયાન તેઓએ ૧૯ લાખ દર્દીઓને તપાસ્યા છે અને ૨.૫ લાખ દર્દીઓના ઓપરેશન કર્યા છે જેમાથી ૨.૧૦ લાખ ઓપરેશન મોતિયાના કર્યા છે. અને આ ૨.૧૦ લાખ મોતિયાના ઓપરેશન પૈકી દોઢ લાખથી વધુ ઓપરેશન ટાંકા વગરના કર્યા છે.

૩૬ વર્ષની અવિરત સેવા થકી મેળવ્યા એવોર્ડ
લાગલગાટ ૩૬ વર્ષ સુધી મોરબીની આંખની હોસ્પિટલમાં સેવા આપનાર ડો. કાતરીયાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોના હસ્તે એવોર્ડ મેળવ્યા છે. દર્રી નારાયણની સેવા એ જ જીવન મંત્ર બનાવનાર ડો. કાતરિયાએ અન્ય તબીબોને પણ પ્રેરણા પૂરી પાડી છે. પોતાની કારકિર્દી દરમિયાન ડો.કાતરિયાએ રજા ભોગવવાને બદલે ગામોમાં આંખના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરી રજાનો સદુપયોગ કર્યો છે. પોતાની ફરજ દરમિયાન ૧ હજાર રજાઓ દર્દીઓની સેવા માટે ફાળવી કેમ્પ દરમિયાન અંદાજે ૩ લાખથી વધુ દર્દીઓની સેવા કરી છે.
૧૦૦ બેડની આંખની હોસ્પિટલને મંજુરી મળી
મોરબીની આંખની હોસ્પિટલના ડોક્ટર કાતરીયાએ દર્દીઓની સેવા માટે દિવસરાત જોયા વિના કાર્ય કર્યું હોય અને તેમના કાર્યની સુવાસ મોરબીના સીમાડા વટાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ હોય જેથી સૌરાષ્ટ્રભરના દર્દીઓ મોરબી આંખના ઓપરેશન માટે આવે છે તો આંખના દર્દીઓની જરૂરિયાતને ધ્યાને લઈને તેમજ ડો. કાતરિયાના સઘન પ્રયાસોને પગલે સરકારે મોરબીમાં ૧૦૦ બેડની આધુનિક આંખની હોસ્પિટલને પણ મંજુરી આપી છે

Comments
Loading...
WhatsApp chat