મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જીલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ

 

 

વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૫ થી વડાપ્રધાનના પ્રસ્તાવને મંજૂરી મળતા દર વર્ષે  ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૮ માં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ‘માનવતા માટે યોગ’ની થીમ  સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાનએ વિશ્વ સમક્ષ મુક્યું અને વિશ્વએ તેને સ્વિકારી લીધું. આપણા જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત માનસિક તેમજ શારીરિક શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્વનું યોગદાન છે. નાલંદા તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના ઉદાહરણ ટાંકી તેમણે જણાવ્યુ હતું કે, તન-મનની તંદુરસ્તી માટે યોગનું આદીકાળથી ખૂબ મહત્વ રહ્યું છે. વધુમાં તેમણે સૌને યોગને જીવનનું અંગ બનાવી દરરોજ યોગ કરવા અપીલ કરી હતી

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં અંદાજે ૩૫૦૦ થી વધુ લોકોએ યોગાસન અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણીનો ભાગ બન્યા હતા. ઉપરાંત જિલ્લામાં ૪૮૩ જેટલા મુખ્ય સ્થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧,૩૭,૦૦૦ થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat