


હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે અને ગરમીથી બચવાના વિવિધ ઉપાયો લોકો અજમાવી રહ્યા છે ત્યારે આવી ગરમીમાં ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો ખુલ્લા પગે રમતા હોય છે જેથી આવા બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ સંસ્થા દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકોને ચપ્પલ વિતરણ કરવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે જેમાં સંસ્થાના પ્રમુખ તુષારભાઈ દફતરી, ઉપપ્રમુખ કે.પી. ભાગિયા અને સભ્ય નીખીલ મહારાજ શાસ્ત્રી સહિતનાઓએ આકરા તાપમાં ગરીબ બાળકોને પહેરવા માટે ચપ્પલ મળતા ના હોય તેવો વિચાર આવતા ચપ્પલ વિતરણ કરવાનું નક્કી કર્યું હતું.
લીલાપર રોડ પર આવેલા નળિયાના કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકો, અન્ય વિસ્તારોમાં ઝૂપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારના બાળકોને ચપ્પલ વિતરણ કર્યા હતા. સવારે ૯ વાગ્યાથી આગેવાનો જાતે જ નીકળી પડ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં ફરીને પાંચ છ કલાક દરમિયાન ચપ્પલ ના પહેર્યા હોય તેવા ૪૬૦ થી વધુ બાળકોને ચપ્પલ પહેરાવી માનવતાને મહેકાવી હતી.

