માળીયાના મીઠા ઉધોગમાં ગેરકાયદેસર વોશરીઓ બંધ કરાવવા માંગ



માળિયાનો મીઠા ઉદ્યોગ અનેક બાબતે પોતાની મનમાની ચલાવતો હોવાથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં માળિયા તાલુકા અગરિયા મીઠા ઉત્પાદક સંઘ દ્વારા જીપીસીબીના રિજ્યોનલ મેનેજરને જણાવ્યું છે કે આધુનિક રીતે પ્લાન્ટમાં મીઠું વોશ કરવા માટે માળિયા વિસ્તારમાં અંદાજે પચ્ચીસ જેટલી વોશરીઓ ધમધોકાર ચાલી રહી છે પરંતુ કોઈ જ ઉદ્યોગકારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી લીધી હોય એવું જાણમાં નથી. મંજુરી વગર ચાલતી આ વોશરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવી જોઈએ. ભારત સરકાર દ્વારા મીઠા ઉત્પાદનને પ્રદુષણ મુક્ત ઉદ્યોગ જાહેર કરેલ છે પરંતુ વોશરીની પરવાનગી લેવી જરૂરી છે. સરકારી તંત્રને આના કારણે આર્થિક નુકશાન થઇ રહ્યું છે. કોઈપણ કારખાનેદારે વોશરી ચાલુ કર્યા પહેલા જીપીસીબીની મંજુરી લઇ ત્યારબાદ જ વોશરી ચાલુ કરવાની હોય છે તેમજ તેને વખતો વખત રીન્યુ કરાવવાની હોય છે પરંતુ અહી તો કોઈ પૂછનાર ના હોય તેમ મનમાની ચલાવાય છે. જો આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ઉધોગકારોને પણ કાયદાનું અસ્તિત્વ છે તેની ખબર પડે જેથી આ મામલે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા તપાસ કરી ગેરકાયદેસર વોશરીઓ બંધ કરાવવાની જરૂર છે તેવી માંગ કરવામાં આવી છે.