પવિત્ર યાત્રાધામ માટેલના બિસ્માર રોડના રીપેરીંગની માંગ

મોરબી નજીક આવેલ માટેલ ધામ ખાતે હજારો શ્રદ્ધાળુઓ દર્શન અર્થે જતા હોય છે પરંતુ માટેલ જવનો રોડ તૂટેલી હાલતમાં હોવાથી શ્રધ્ધાળુઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતનો ભય પણ સતત માથે તોળાય રહ્યો છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ધામ જવાનો બિસ્માર રસ્તો શ્રધ્ધાળુઓને પરેશાન કરતો હોય, આ અંગે સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ઢુવાથી માટેલ જતો રસ્તો થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હોય પરંતુ અહી કારખાના યુનિટોની વધતી સંખ્યાને પગલે ભારે વાહનો પસાર થતા હોવાથી રોડ તૂટી ગયો છે. માટેલ ખોડીયાર માતાજીના ઘામ જતા યાત્રિકો અને નાના વાહનોને આવવા જવામાં અનેક સમાસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. તે ઉપરાંત પ્રદુષણ યુક્ત વાતાવરણમાં પદયાત્રીઓને યાત્રાધામ સુધી જવું પડે છે. યુનિટોમાં મુખ્ય ગેઇટથી રસ્તા સુધી બિનખેતીની શરતોનું ડબલ પટ્ટી રોડ બનાવવો જરૂરી છે કારણકે લોકલ વાહનો તથા ભારેખમ વાહનો માતેલા સાંઢની જેમ ચાલતા હોવાથી રાહદારીઓ માથે સતત ભય તોળાય રહ્યો છે. જેથી આ અંગે યોગ્ય વ્યવસ્થા કરીને નવેસરથી ભારે વાહનની ક્ષમતા મુજબ પાકો રોડ બનાવવો જરૂરી છે. યાત્રાધામોના વિકાસ માટે સરકાર કાર્યરત છે ત્યારે મોરબી જીલ્લાના આ પવિત્ર યાત્રાધામની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું જણાવીને માટેલ ધામ જવાનો રસ્તો નવો બનાવવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Comments
Loading...
WhatsApp chat