

મોરબી શહેરમાં પાલિકા દ્વારા રોડના કામો કરવામાં આવ્યા છે જે રોડ રસ્તાઓ ત્રણ માસમાં જ તૂટી ગયા છે જે નબળા કામની તકેદારી આયોગ દ્વારા તપાસ કરાવવાની માંગ શાસક પક્ષના મહિલા સદસ્યાએ કરતા ખળભળાટ મચી ગયો છે અને પાલિકાની કામગીરી સામે સવાલો ખડા થયા છે.
મોરબી વોર્ડ નં ૧૨ ના ભાજપના મહિલા સદસ્ય વનીતાબેન ચાવડાએ રાજ્યના વિજીલન્સ કમિશ્નર ને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તેના મત વિસ્તારમાં આવતા સાયન્ટીફીક વાડીથી ખીચડની વાડી સુધીના નાબા બનાવેલા રોડ ત્રણ માસમાં તૂટી ગયા છે. આ કામ નબળું થતું હોવાથી જાગૃત નગરસેવિકા હોવાથી તેને પાલિકાના સંબંધિતોને કામકાજ અંગે ધ્યાન દોરીને તાકીદ કરી હતી છતાં ભ્રષ્ટાચારને લીધે પાલિકા અને ઠેકેદારની મિલીભગતથી નબળું કામ કરવામાં આવ્યું છે. રસ્તાના નબળા બાંધકામને લીધે સરકારની ગ્રાન્ટ વેડફાઈ જવા પામી છે. રસ્તાનો હેતુ સિદ્ધ નથી થયો અને લોકોની સુખાકારીને બદલે મુશ્કેલીઓમાં વધારો થયો છે જેથી રસ્તાના બાંધકામમાં જવાબદાર મોરબી પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નિયમ મુજબ કામ ના કરતા ઠેકેદાર સામે તકેદારી પંચ દ્વારા સંપૂર્ણ તપાસ કરાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.