આતુરતાનો અંત : ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર ક્યારે થશે, ક્યાં દિવસે મતદાન થશે અને કે’દી વળી પરિણામો જાહેર થશે આવા અનેક સવાલો ગામના ચોરે, પાનના ગલ્લે, શેરીએ ગલીએ અને શાળા કોલેજોમાં તેમજ રાજકીય પક્ષોના કાર્યકરોના મોઢેથી અનેક વખત સાંભળવા મળ્યા છે. જોકે આખરે આતુરતાનો અંત આવ્યો છે. આજે મુખ્ય ચુંટણી કમિશ્નર એ.કે.જ્યોતિએ પત્રકાર પરિષદ યોજી ગુજરાત વિધાનસભા ચુંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં પૂર્વાનુમાન અનુસાર જ બે તબક્કામાં મતદાન યોજાશે. તારીખ ૯ અને ૧૪ ડીસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન અને તા. ૧૮ ડિસેમ્બરે મત ગણતરી અને પરિણામો જાહેર થશે. ગુજરાતમાં તા. ૦૯ ડીસેમ્બરના રોજ ૮૯ સીટો માટે અને તા. ૧૪ ડીસેમ્બરના રોજ ૯૩ સીટો માટે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ખુબ જ મહત્વની છે કારણકે ૨૨ વર્ષથી એકધારું શાસન ચલાવતા ભાજપને એન્ટી ઇન્કમબન્સી ઉપરાંત વિવિધ આંદોલનોની અસર થાય તેવી શક્યતા છે તો કોંગ્રેસ આ વેળાએ આક્રમક રણનીતિ અપનાવીને ગુજરાતની ગાદી કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેથી ભારે રસપ્રદ ચુંટણીજંગ જામશે તે નક્કી છે. તો વળી ગુજરાતના સીએમમાંથી પીએમ બનેલા નરેન્દ્ર મોદી માટે પણ આ પ્રતિષ્ઠાનો જંગ હોવાથી જંગ વધુ રોમાંચક બની રહેશે.

Comments
Loading...
WhatsApp chat