

ભાજપની સરકાર પોતાના વચનો આપવામાં નિષ્ફળ ગઈ છે, જે બાબતે લાજવાને બદલે ગાજે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસે કર્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ કરીને ભાજપ પોતાનો પ્રચાર કરે છે. લોકો સરકારી સિદ્ધિઓને સારી રીતે જાણે છે. મોટાભાગની સિદ્ધિઓ તો કોંગ્રેસની મનમોહનજીની સરકારી યોજનાઓના નામ બદલીને પોતાના નામે ચડાવેલી છે. ભાજપ સરકાર ખરેખર પોતાના આપેલા વચન પાળવામાં નિષ્ફળ ગઈ છે. જેમકે દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશું, એકને બદલે દસ માથા લાવીશું, કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ્દ કરીશું, રામ મંદિર બનાવીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપીશું, સસ્તું ખાતર અને બિયારણ આપીશું વગેરે પોકળ દાવાઓ કર્યા હોય તેમ લાગે છે. ઉલ્ટાનું શિક્ષણનું વેપારીકરણ, પેટ્રોલમાં લૂંટ ચલાવી છે. લોકો બધું જાણે છે અને સમય આવશે ત્યારે સરખો જવાબ આપશે.