મુખ્યમંત્રીના હસ્તે રૂા. ૬૩ કરોડથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત /લોકાર્પણ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૫મેના રોજ મોરબી જિલ્લા ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજયવ્યાપી ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’’ અન્વયે મોરબી જિલ્લાના બગથળા ગામ ખાતે ચાલી રહેલા તળાવ ઉંડા ઉતારવાના કામનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૫ મેના રોજ સવારે ૧૦.૪૫ વાગ્યે નિરીક્ષણ કરશે. ત્યાંથી મુખ્યમંત્રી રૂપાણી સીધા સ્ટેજ કાર્યક્રમમાં આવી પહોંચશે. બગથળા ગામ ખાતે યોજાનારા આ સ્ટેજ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જળસંચય અભિયાનના દાતાઓનું સન્માન કરવામાં આવશે. અને આયોજકો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ચેક અર્પણ કરવામાં આવશે.

બગથળા ખાતે અંદાજે રૂ. ૭૬૮ લાખના ખર્ચે બનનારા નવા ૬૬ કે.વી.સબ સ્ટેશનનું મુખ્યમંત્રી ડિજિટલ તકતી અનાવરણ કરશે તથા ફુલકી નદીની પુર સંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્તઅને બ્રાહ્મણી-૨ ડેમથી હળવદ વર્કસ સુધીની ૧૧ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આ સાથે લજાઇ ગામે રૂા. ૧૦૫ લાખના ખર્ચે  તથા ઘુંટું ગામે રૂા.૧૦૩ લાખના ખર્ચે નિર્મિત આધુનીક સુવિધા સભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

બગથળા ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણી બપોરે ૧૨.૧૫ વાગ્યે જોધપર(નદી) ગામના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, શૈક્ષણિક સંકુલ, કુમાર છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

મુખ્ય મંત્રી સાથે ઉર્જા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં સાથે જોડાશે.

 

Comments
Loading...
WhatsApp chat