ચટ મંગની-પટ બીયા, મોરબીના શિવનગર ગામે યોજાયા અનોખા લગ્ન

ઉદ્યોગપતિ પરિવારોએ ખોટા ખર્ચ રોકવા કરી આવકારદાયક પહેલ

આજના સાંપ્રત યુગમાં દેખાદેખી માટે કે પછી ઉદ્યોગપતિ પરિવારો પોતાના સ્ટેટ્સ માટે લગ્ન કે રીસેપ્શન જેવા સમારોહ પાછળ લખલૂંટ ખર્ચ કરી નાખતા હોય છે અને એક દિવસની ઉજવણીમાં લાખો રૂપિયાના ધુમાડા કરતા હોય છે ત્યારે મોરબીના શિવનગર ગામમાં ચટ મંગની, પટ બીયા ઉક્તિ જેમ લગ્ન કરીને સમાજને નવી રાહ ચીંધી છે.

મોરબીના શિવનગર ગામના વતની ભરતભાઈ નેસડીયાણા પુત્ર જયદીપના લગ્ન માળિયાના નાના દહીસરા નિવાસી જયંતીલાલ કગથરાની પુત્રી ડીમ્પલ સાથે કરવામાં આવ્યા હતા ગત રવિવારે જયદીપ નેસડીયા અને ડીમ્પલ કગથરાની શ્રીફળ વિધિનું આયોજન કરાયું હતું જેમાં કુટુંબીજનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા ત્યારે શ્રીફળ વિધિ બાદ લગ્નનો અલગ ખર્ચ કરવા કરતા અહી જ લગ્ન કરી નાખવામાં આવે તો તેવો વિચાર વહેતો કરાયો અને બંને પક્ષે તુરંત રજામંદી આપી દેતા શ્રીફળ વિધિનો પ્રસંગ લગ્નના પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો જયદીપ અને ડિમ્પલે પોતાના પરિવાર અને સમાજના અગ્રણીઓની હાજરીમાં અગ્નિ દેવની સાક્ષીમાં ફેરા ફરવામાં આવ્યા હતા અને આ નવદંપતીએ નવજીવનની શરૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે બંને પરિવારો આર્થિક રીતે સંપન્ન હોય છતાં પણ લગ્નમાં થતા ખોટા ખર્ચ અને સમયની બરબાદીને રોકવા માટે તેમણે આ નિર્ણય કર્યો હતો તો સમાજના અગ્રણીઓએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું સમાજને નવી રાહ ચિંધનારૂ ગણાવ્યું હતું લગ્નના સમારોહમાં લાખોના ખર્ચને રોકવા માટે ઉદ્યોગપતિ પરિવારોએ પહેલ કરી છે અને અન્ય લોકો પણ આવા ખોટા ખર્ચથી બચે તેવી અપીલ કરી હતી

Comments
Loading...
WhatsApp chat