


કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ માસમાં જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ જીએસટી અંગે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ના રોષને પગલે તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિરામિક ઉદ્યોગને રાહત મળશે તેવી આશા સેવાતી હતી જોકે આશા ઠગારી નીવડી છે. જીએસટીને પગલે સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જેથી ૧૨ ટકાના સ્લેબમાં લેવાની માંગ કરાઈ છે.
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ દેશના નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર કરેલીં રાહતોમાં સિરામિક ઉદ્યોગને કોઈ જાતની રાહત મળી નથી જે અંગે આજે મોરબી સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા એશો પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી કેન્દ્ર અને રાજ્ય સરકારને જીએસટી અંગે રજૂઆત કરવામાં આવી રહી છે સિરામિક ઉદ્યોગને ૨૮ ટકાના સ્લેબમાં લેવાયો છે જેને ૧૮ ટકા અથવા તો ૧૨ ટકામાં લેવો જરૂરી છે. સિરામિક પ્રોડક્ટ ગરીબો અને મધ્યમવર્ગની પ્રોડક્ટ છે. આજે દરેક નવા બનતા ઘરોમાં સિરામિક ટાઈલ્સ લગાવાય છે. જોકે જીએસટીમાં ઊંચા વેરાને પગલે માંગ ઘટી છે ત્યારે બીજી તરફ ચીનના માલની ઈમ્પોર્ટ વધી છે. દક્ષીણના પાંચ રાજ્યોમાં ચીનનો માલ વેચાઈ રહ્યો છે જે ઊંચા વેરાને પગલે પડતર કીમત ઉંચી જતા મોરબીનો સિરામિક ઉદ્યોગ હરીફાઈમાં ટકી સકતો નથી. તે ઉપરાંત જીએસટી બાદ એક્સપોર્ટની સ્થિતિ પણ દયનીય બની છે. એક્સપોર્ટમાં ૫૦ ટકા જેટલો ઘટાડો છેલ્લા ત્રિમાસિક ગાળામાં જોવા મળી રહ્યો છે. જેથી આ અંગે રવિવારે મોરબી જીલ્લામાં ગૌરવ યાત્રામાં સંભવિત રાજ્યના સીએમ ઉપસ્થિત રહેવાના હોય, તેને આવેદન આપવામાં આવશે અને ઉકેલ ના આવે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવાનું પણ સિરામિક એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
સરકારની ઈ-વોલેટ યોજનાને આવકારી
સિરામિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવતું એક્સપોર્ટ છેલ્લા ત્રણ માસમાં ઘટ્યું છે. અગાઉ ૦ ટકાથી થતું એક્સપોર્ટ જીએસટી બાદ ૨૮ ટકાથી કરવાને પગલે એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું હતું અને ઉદ્યોગપતિ ૨૮ ટકા વેરાનું રોકાણ લાંબો સમય કરી સકે તેમ ના હોવાનું જણાવ્યું હતું જોકે સરકારે એક્સપોર્ટ માટે ઈ વોલેટ સ્કીમની જાહેરાત કરી છે જેથી આ પ્રશ્નનો ઉકેલ આવી જશે જેથી આ યોજનાને આવકારી રહ્યા છે.