


મોરબીના રામોજી ફાર્મ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં આગામી શુક્રવારના રોજ રૂક્ષમણી વિવાહ પ્રસંગે પાટીદાર અગ્રણી અને ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાની આગેવાનીમાં દાતાઓના સહયોગથી ગરીબ પરિવારની બે દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે.
મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક મહારુદ્ર યજ્ઞમાં હાલ યુવા કથાકાર નિખિલ જોશીની ભાગવત સપ્તાહ રાત્રે 9 થી 12 ચાલી રહી છે. જેમાં આગામી 6 એપ્રિલના રોજ રૂક્ષમણી વિવાહ પ્રસંગે ગરીબ પરિવારની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી ધાર્મિક કાર્યોની સાથે સમાજ ઉપયોગી હકારાત્મક અને પ્રેણાત્મક કાર્યો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે વિસ્તૃત વિગતો આપતા મોરબી પાટીદાર સમાજના અગ્રણી અને ગણેશ મંડપ સર્વિસ મોરબીના અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહ જેવા ધાર્મિક કાર્યોમાં લોકોને સતકાર્ય માટે ઉપદેશ આપવામાં આવે છે ત્યારે સર્વ સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડવા બારૈયા પરિવાર દ્વારા મોરબી જિલ્લામાં ક્યાંય પણ ભાગવત સપ્તાહ યોજાય ત્યારે સપ્તાહના રૂક્ષમણી વિવાહ દરમિયાન ગરીબ પરિવારની દીકરીને પરણાવવાની જવાબદારી ઉઠાવવા નક્કી કર્યું છે.
આ અગાઉ અમેં ટંકારા તાલુકાના ખીજડિયા અને સજ્જનપર ગામે ભાગવત કથા દરમિયાન બે દીકરીઓને કન્યાદાન કર્યું છે અને આગામી શુક્રવારે રામોજી ફાર્મ ખાતે આયોજિત સપ્તાહમાં રૂક્ષમણી વિવાહ દરમિયાન બે દિકરુઓના લગ્નની સઘળી જવાબદારી ઉઠાવવા નક્કી કરી કન્યાદાન કરવામાં આવશે.
વધુમાં ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે તેઓ રૂક્ષમણી વિવાહમાં જે ગરીબ દીકરીનું કન્યાદાન કરશે તે તેમની પોતાની સગી દિકરી હોય એ જ રીતે કાર્ય કરી દીકરીને કન્યાદાનમાં સોનાનો ચેન, બુટી, દાણો, જમાઈને વિટી, તેમજ તમામ ઘરવખરી કન્યાફાનમાં આપી દીકરીના તમામ કોડ પુરા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
વધુમાં અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે રામોજી ફાર્મ ખાતે યોજાયેલ કથા પ્રસંગે અમે મોરબી જિલ્લાની તમામ જનતાને જણાવવા ઇચ્છીએ છીએ કે ક્યાંય પણ ભાગવત સપ્તાહનો પ્રસંગ હશે અને અમોને બહારથી પણ જાણ થશે તો પણ કથા દરમિયાન રૂક્ષમણી વિવાહ પ્રસંગે ગરીબ પરિવારની દીકરીનું કન્યાદાન કરવામાં આવશે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે રામોજીફાર્મ ખાતે રૂક્ષમણી વિવાહમાં મોરબી સરદાર બાગ સ્વામીનારાયણ મંદિર ખાતેથી ઘનશ્યામ મહારાજના આશીર્વાદથી જાન આવશે અને આ જાનમાં અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ લોકો વાજતે ગાજતે, ધૂમ ધડાકા ભેર હાથી, ઘોડા, અને રજવાડી બગીમાં જાન લઈને આવશે અને કન્યાપક્ષે ખૂબ જ સુંદર રીતે જાનની આગતા સ્વાગત સાથે રૂક્ષમણી વિવાહનું આયોજન કરાશે.
રુકમણી વિવાહમાં બે યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
મૂળ વાઘગઢના કનૈયાલાલ જાની અને કોકીલાબેનના પુત્ર યોગેશના લગ્ન બીલીયા ગામના દીપકભાઈ ભટ્ટ અને હીનાબેનની દીકરી હિરલ સાથે તેમજ મોરબીના સ્વ.રમેશભાઈ ભટ્ટી અને મીનાબેનના સુપુત્ર હિત સાથે મોરબીના જ રહેવાસી રવજીભાઈ ગોહિલ અને પુષ્પાબહેનની પુત્રી પૂજા સાથે યોજાશે.સમગ્ર દિવસ દરમિયાન ભોજન સમારંભના દાતા મુળજીભાઈ વસ્તાભાઈ રંગપરીયા લાભ લેશે.

