વાંકાનેરમાં જીલ્લા કક્ષાનો ૬૯ માં વન મહોત્સવ ૨૦૧૮ની કરાઈ ઉજવણી

રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહીરની પ્રેરક ઉપસ્થિતિ

રાજય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ગાયત્રી મંદિર, શકિત વિદ્યાપીઠ ખાતે ૬૯ મો વન મહોત્સવ-૨૦૧૮ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહિરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા દરેક રાષ્ટ્રિય ઉત્સવોના કાર્યક્રમ પૂરો થયા બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આનો હેતુ એ છે આપણે ગુજરાતને નંદનવન બનાવવું છે. આજે વિકાસ એટલો બધો આગળ વધી થયો છે કે, તેની સામે પ્રદૂષણ પણ વધી રહયું છે. જે આપણે સહજ સ્વિકારીએ છીએ, પરંતુ તેની સામે પડકાર જીલવા માટે આપણે પર્યાવરણનું જનત કરવું ખુબજ જરૂરી થઇ ગયું છે. જેથી જનતાજનાર્દને અંગત જવાબદારી સ્વિકારી વૃક્ષોનું જતન કરવુ જોઇએ અને આવા કાર્યક્રમો દ્વારા દરેક નાગરિક, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા આગળ આવી વૃક્ષો વધુને વધુ ઉછેરાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ તેવી અપીલ કરી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજયમંત્રી વાસણભાઇ આહિર અને મહાનુભાવોના હસ્તે ગાયત્રી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ બે વૃક્ષ વાવવા અંગેના શપથ લીધા હતા.
રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે ડી.સી.પી. નર્સરીના લાભાર્થીઓને કુલ રકમ રૂા.૧,૨૭,૯૩૯-૦૦ ચેક/પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રકૃતીપ્રેમી એવા ગાયત્રી આશ્રમ,શકિતપીઠ ગાયત્રી-વાંકાનેરના મહંત અશ્વિનબાપુનું રાજયમંત્રી વાસણભાઇ આહિરે સાલ ઓઠાડી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે વૃક્ષનું બહુ મહત્વ છે. ઝાડ પણ બોલે છે તે સજીવ છે. વૃક્ષ ઉપર થતો ઝુલમ ન કરતા ઉછેરવું જોઇએ. ચાલો આપણે સામુહિક પ્રયાસો થકી તરૂનું તન કરતા વધારે જનત કરીએ. અને પર્યાવરણને બચાવીએ.

સ્વાગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષક એમ.એમ.ભાલોડીએ આજની ઉપસ્થિત થયેલી પર્યાવરણ વિશે વિસ્તૃત માહીતી આપી હતી. અને જિલ્લામાં ૧૫ લાખથી વધુ વૃક્ષના રોપાઓ વાવવાનો લક્ષ્યાંક છે. આ રોપાઓ વિનામૂલ્યે જિલ્લા તથા તાલુકા કક્ષાની નજીકની વન વિભાગની કચેરી ખાતેથી મળી રહેશે. તેમણે આપણા જિલ્લા અને દેશના પર્યાવરણની સમસ્યાને દૂર કરવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવતેર થાય તેવી અપીલ કરી હતી.પ્રસંગોચિત નાટક કે.કે.શાહ માધ્યમિક શાળા-વાંકાનેરના બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, અગ્રણી જીતુભાઇ સોમાણી, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મદદનીશ વન સંરક્ષક એસ.ટી.કોટડીયા અને વન વિભાગના અધિકારી/કર્મચારીગણ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ/મહાનુભાવો અને શહેરી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat