જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા હવે આગામી ૧૦૦ દિવસમાં યોજાશે : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ૩ ની જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજાનાર હતી જોકે તા. ૨૯ ના રોજ પોલીસને મળેલી માહિતી મુજબ એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી પૂછપરછ કરતા પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી જેથી ફોજદારી રાહે પોલીસે કાર્યવાહી કરી આગળની તપાસ ચલાવી હતી
જે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આખી ગેંગની સંડોવણી ખુલી હતી જેથી આ કૃત્યમાં સંડોવાયેલ ૧૫ જેટલા ઈસમોની અટક કરી પૂછપરછ અને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મહેનતુ ઉમેદવારોને નુકશાન ના થાય તે માટે તાત્કાલિક નિર્ણય લઈને સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જે પરીક્ષા હવે આગામી ૧૦૦ દિવસમાં યોજવામાં આવશે રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ તેમજ શાળા કોલેજની પરીક્ષાની તારીખોને ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે
મંડળે એવો પણ નિર્ણય કર્યો છે કે હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા અને પરત જવા તેના ઓળખપત્ર (કોલ લેટર/હોલ ટીકીટ) ના આધારે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે મંડળ દ્વારા અત્યાર સુધીમાં છેલ્લા ૫ વર્ષમાં ૨૧,૦૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે ૪૧ જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૩૦ લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી છે તેવી માહિતી પણ અખબારી યાદીમાં આપી હતી

