



મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવ્યા બાદ વિરોધના પગલે ગત વર્ષે મવડા હદ વિસ્તારના ૩૬ પૈકીના ૩૩ ગામોની બાદબાકી કરવામાં આવી હતી જોકે બાકી રહેલા ત્રણ ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહયોં છે ત્યારે આ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ત્રણ ગામોની બાદબાકી માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મવડા કાર્યક્ષેત્રમાંથી જે ધારા ધોરણો પ્રમાણે ૩૩ ગામોની બાદબાકી કરવામાં આવી છે તે મુજબ માધાપર, વજેપર અને ત્રાજપરને મુક્ત કરવા જરૂરી છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના સીએમને કરેલી રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના તા. ૨૮-૦૨-૨૦૧૨ ના જાહેરનામાંથી અસ્તિત્વમાં આવેલ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવેલા ગામોએ વિરોધ પ્રદર્શન કરતા ૩૬ માંથી ૩૩ ગામોની બાદબાકી કરવામાં આવી છે.જયારે હવે માત્ર માધાપર, વજેપર અને ત્રાજપર એ ત્રણ ગામોનો સત્તામંડળમાં સમાવેશ કરીને આ ત્રણ ગામોને અન્યાય કરવામાં આવ્યો છે. જે ત્રણ ગામના લોકો દ્વારા મહારેલી યોજવામાં આવી હતી અને આ મામલે આગેવાનોએ કોંગેસના આગેવાનોને આવેદન આપીને લડતને ટેકો આપવાની માંગ કરી હતી જેના અનુસંધાને મવડા હદ વિસ્તારમાં બાકી રહેલા ત્રણ ગામોની પણ બાદબાકી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

