


મોરબી શહેર તાલુકામાંથી જીલ્લો બન્યા બાદ શહેરની વાહન વ્યવહારની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે. શહેરમાં યુવાનો અને આવારા તત્વો બેફામ ગતિએ વાહનો ચલાવી અન્ય રાહદારીઓને પણ હડફેટે લઇ રહ્યા છે ત્યારે આ અંગે જાગૃત નાગરિકે કેટલાક સૂચનો કર્યા છે.
મોરબીની લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના ડો. બી.કે. લહેરૂએ જીલ્લા પોલીસવડાને પત્ર પાઠવીને મોરબી શહેરમાં બેફામ દોડતા વાહનો પર નિયંત્રણ અંગે કેટલાક સૂચનો આપ્યા છે જેમાં મોરબી શહેરમાં વાહનની ગતિ મર્યાદા ૨૦ થી ૩૦ જ રાખવી અને વધુ સ્પીડમાં વાહન આવે તો સ્થળ પર પોલીસ ખાતા દ્વાર દંડની જોગવાઈ કરવી, ચાલુ વાહન પર મોટરકાર, સ્કૂટર અને રીક્ષાવાળા મોબાઈલ પર વાતચીત કરે તો તેને રોકીને તુરંત પોલીસ વિભાગ દ્વારા સ્થળ પર જ દંડની જોગવાઈ કરવી. મોરબી શહેરમાં ચાર રસ્તા પર પોલીસ રાખીને સાઈડ આપવાની વ્યવસ્થા કરવી, બે પૈડાવાળા વાહન પર ત્રણ સવારી વાહન ચલાવે તેને દંડ કરવો, લાયસન્સ વગર અને ૧૮ વર્ષથી નાના બાળકોને વાહન ચલાવતા રોકવા ને દંડ કાર્રવા તેમજ શહેરમાં આખલાનો ત્રાસ છે જેથી અનેક અકસ્માતો સર્જાય છે જેને માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.