બોગસ ડેથ સર્ટીફીકેટ બનાવી જમીન કોભાંડ, જાણો સમગ્ર કોભાંડ વિશે વિગતે….

વલસાડમાં કરોડોની જમીન પચાવી પાડવા રચાયું મસમોટું ષડ્યંત્ર

 

મોરબી નગરપાલિકાના જન્મમરણ વિભાગના કર્મચારી થોડા રૂપિયાની લાલચમાં નકલી ડેથ સર્ટીફીકેટ બનાવી દેતા હોય જેનો લાભ ઉઠાવીને વલસાડની વૃધ્ધાની કરોડોની કિમતની જમીન પચાવી પાડવાનું કોભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં વલસાડ પોલીસે અનેકની અટકાયત કરી છે તો કોભાંડનો પણ પર્દાફાશ કર્યો છે.

મોરબી પાલિકાના બોગસ ડેથ સર્ટિફિકેટના આધારે વલસાડમાં જમીન કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આ જમીન કૌભાંડની વલસાડ પોલીસે તપાસ કરતા મોરબી પાલિકામાં ચાલતા ખોટા જન્મ મરણના દાખલા કાઢી આપતા હોવાનું પણ પર્દાફાશ થયો છે જેમાં વલસાડ પોલીસ આ બાબતે મોરબી પાલિકામાં તપાસ માટે આવી હતી અને બોગસ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પાલિકાએ બંને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. પાલિકા તંત્રે તાત્કાલિક પગલાં લઈને કર્તવ્ય ભટ્ટ અને ફાલ્ગુની ભટ્ટ નામના આ બંને કર્મચારીઓની ફરજ મુક્ત કરી નાખવામાં આવ્યા છે .

જમીન પચાવી પાડવા બોગસ સર્ટીફીકેટનો ઉપયોગ

મુંબઇ રહેતાં પારસી કૃમિબાઈ (ઉ.વ.૮૩) નામના વૃદ્ધાની વલસાડના ઓઝર ગામે આવેલી કિંમતી જમીન હડપ કરવા માટે  સુરત અને મોરબીના ચાર શખ્શોએ કાવતરું રચ્યું હતું જેમાં પારસી વૃધ્ધા જીવીત હોવા છતાં તેને મૃત દર્શાવીને મોરબી પાલિકા માથી વૃદ્ધાનું ખોટું ડેથ સર્ટિ બનાવ્યું હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે જેમાં સુરતના લવજી પટેલ, ઝીંઝુડા ગામના નુરમામદ બાવા, ઊંટબેટ ગામના માજી સરપંચ ઈશાભાઈ રાઠોડ અને આમરણના રસિક પટેલ એ ચાર શખ્શોએ કાવતરું રચ્યું હતું અને એક બોગસ મહિલા ઉભી કરી કૃમિબાઈના નામે સેવાસદનમાં અનીશ અલી રમજાન અલી જુમાણીની મદદથી બોગસ આધારકાર્ડ અને બોગસ રાશનકાર્ડ બનાવ્યું હોવાનું સુત્રો જણાવે છે.

વકીલ અને કાઉન્સિલરને નોટીસ

વલસાડમાં અંદાજે પાંચ કરોડની કીમતની ૨૬ વીઘા જમીન પચાવી પાડવા રચાયેલા ષડ્યંત્રમાં મોરબી નગરપાલીકાના કાઉન્સીલર અનિલભાઈ હડીયલની સહી  દાખલામાં મળી હતી તેમજ અન્ય એક વકીલની સંડોવણી હોય જેને વલસાડ પોલીસે નોટીસ પાઠવી છે અને જવાબ રજુ કરવા જણાવ્યું છે.

અત્યાર સુધી કેટલા આરોપીની અટકાયત ?

મુંબઈની પારસી વૃધ્ધાની વલસાડની કીમતી જમીન પચાવી પાડવાના કારસામાં વલસાડ સીટી પીએસઆઈ જી.વી. ગોહિલ અને તેની ટીમે મોરબી સુધી તપાસનો દોર લંબાવ્યો હતો અને કોભાંડનું કાવતરું રચનાર આરોપી નુરમામદ બાવા, ઇશા રાઠોડ, અનીસઅલી રમજાન અલી, રસિક પટેલ અને નારાયણ કાસુન્દ્રા એમ પાંચ તેમજ કચ્છની અનીસા નામની મહીલા અને વલસાડનો એક દેસાઈ નામનો શખ્શ એમ કુલ સાત આરોપીને ઝડપી લીધા છે

પાલિકાના કોન્ટ્રાકટ કર્મચારીની પૂછપરછ

મોરબી નગરપાલિકામાં જન્મમરણ દાખલા વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ કર્મચારી ફાલ્ગુની ભટ્ટ અને કર્તવ્ય ભટ્ટ એ બંનેને પાલિકાએ ફરજ મુક્ત કર્યા છે તો વલસાડ પોલીસે તેણે પૂછપરછ માટે બોલાવ્યા છે તેમજ અન્ય એક વકીલ અને કાઉન્સિલરની પણ પૂછપરછ કરવામાં આવનાર છે

Comments
Loading...
WhatsApp chat