

મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ મેરજાએ વિકાસના બણગા ફૂંકતા મોરબી પંથકને વિનાશની ગર્તામાં ધકેલી દેનાર ભાજપી શાસન અને સ્થાનિક ભાજપી નેતાઓ પર પ્રહારો કર્યા છે. મોરબી સ્વબળે, સખત મહેનત અને પોતાની સાહસિકતાના કારણે વિશ્વ ફલક પર વિકાસ પામ્યું છે. સિરામિક ઉદ્યોગની વાત કરતા ભાજપના નેતાઓને સવાલો કર્યા હતા કે વર્ષે અબજો રૂપિયાનંવ વિદેશી હુંડીયામણ રળી આપતા સિરામિક ઉદ્યોગને શું આપ્યું છે ? ગેસમાં ભાવ વધારો, વેટનો ભાવવધારો, વધારે એક્સાઈઝ અને પેટ્રોલ ડીઝલના ભાવોનો વધારો ઉદ્યોગના વિકાસને અવરોધી રહ્યો છે.
અગાઉ મોરબીમાં નળિયા ઉદ્યોગના ૧૫૦ કારખાના હતા આજે કેટલા ચાલુ છે કારણકે સરકારની લીગ્નાઈટ, કેરોસીન અને માટી સામેની નીતિઓને પગલે ઉદ્યોગ પડી ભાંગ્યો છે તે ઉપરાંત દેશ દુનિયામાં ડંકો વગાડનાર ઘડિયાળ ઉદ્યોગ પણ સરકારના વધુ ટેક્ષ, ઉદ્યોગમાં સરકારી બાબુઓની કનડગતને કારણે હાંફી ગયો છે. લાતીપ્લોટમાં આજે ૧૦૦ થી વધુ કારખાનાઓ આવેલ છે જેમાં મહિલાઓને મોટાપાયે રોજગારી મળી રહી છે. આ વિસ્તારને ભાજપના વિકાસના ગાણા ગાતા નેતા રોડ પણ આપી શક્યા નથી. શહેરની વ્યવસ્થા પાલિકા સંભાળે છે. જે કરોડોના વેરા વસુલ કરી તેમજ સરકારની ગ્રાન્ટ લઈને પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનું કામ કરે છે પરંતુ મોરબીમાં રોડ રસ્તા, સફાઈ જેવા પ્રાથમિક પ્રશ્નો આજેય વણઉકેલ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ વિકાસના ગાણા ગાય છે જેથી પ્રજા વિકાસને ગાંડો કહે છે જે ઉચિત હોવાનું જણાવ્યું હતું.