ભાદરવો ભરપૂર : જીલ્લામાં સાર્વત્રિક મેધ મહેર, મોરબીવાસીઓ આનંદમાં

દોઢ મહિના કરતા પણ વધારે સમયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ચોમાસું પાકને અસર થઇ હતી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક સૂકાવા લાગ્યો હતો. જેના કારણે ખેડૂતો કાગડોળે મેઘરાજાની એક મેઘકૃપા થઇ જાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની ચિંતા મેઘરાજાએ દુર કરી દીધી છે અને રવિવાર રાતથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને રવિવારે રાતથી મેઘરાજાની નવી ઇનિગ શરુ થઇ હતી. ત્યારે સાર્વત્રિક મેઘમહેરથી સમગ્ર મોરબી જિલ્લો તરબતર થયો છે. છેલ્લા ૨૪ ક્લાકમાં મેઘરાજાએ મોરબી જિલ્લા પર અપાર હેત વરસાવ્યું હતું. જેમાં મોરબી તાલુકામાં ૩૩ એમએમ, માળીયા ૮ એમએમ, ટંકારા ૫૩ એમએમ, વાંકાનેર ૩૯ એમએમ અને સૌથી વધુ હળવદ તાલુકામાં ૮૦ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને આ આગાહી મુજબ મોરબી શહેર પર અનરાધાર વરસાદ વરસી ગયો હતો. ત્યારે આજે સવારે માત્ર ૦૬:૦૦ વાગ્યાથી ૦૮:૦૦ વાગ્યાના બે જ કલાકના સમયગાળામાં મોરબી જિલ્લાના ચાર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં ટંકારા ૩૫ એમએમ, મોરબીમાં ૨૯ એમએમ, વાંકાનેર ૨૪ એમએમ અને હળવદ ૬ એમએમ સહિત જિલ્લામાં કુલ એક ઈંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે માળીયા તાલુકામાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat