


મોરબી તાલુકાના બગથળા પંથકમાં ભેંસીયા તાવ તરીકે ઓળખાતા બૃસેલા રોગનું પ્રમાણ ચિંતાજનક ઇતે જોવા મળી રહ્યું છે. છેલ્લા બે માસમાં જ બગથળા ગામના ૧૨ કરતા વધુ મહિલાઓ તથા પુરુષોને આ રોગે ભરડામાં લઇ લીધા છે. ગાય કે ભેંસમાં બ્રુસેલોસીસ જોવા મળતું હોય છે. બેકટેરીયા જન્ય આ રોગ આ પ્રકારની ગાય કે ભેંસના દૂધ કે દુધની બનાવટો આરોગવાથી માણસને થાય છે. બગથળા વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ભેદી તાવનું પ્રમાણ વધી ગયું હતું. અનેક પ્રકારના લેબોરેટરી ટેસ્ટીંગ અને દવાઓ બાદ પણ તાવ યથાવત રહેતા બૃસેલા હોવાની શંકા જણાઈ હતી જે મુજબનું લેબોરેટરી ટેસ્ટ કરાવાતા આ રોગ હોવાનું સ્પષ્ટ થયું હતું. શરૂઆતમાં એક બે વ્યક્તિઓમાં આ રોગના ચિન્હો જોવા મળ્યા બાદ જોતજોતામાં ૧૨ થી વધુ વ્યક્તિઓમાં આ રોગ હોવાનું માલૂમ પડ્યું હતું. આ દર્દીઓમાંથી અમુક દર્દીઓ સજા થઈ ગયા છે જયારે હજુ પણ બીજા દર્દીઓની સારવાર ચાલુ છે. જોકે ગાય ભેંસ રોગના વાહક હોવાથી બગથળા ગામમાં આ પ્રકારની ગાય ભેંસને શોધીને રોગને વધુ ફેલાવાતો અટકાવવામાં આવે તે જરૂરી બની ગયું છે.

