


રાજ્ય સરકાર ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓમાં લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા નક્કર પગલા લેવામાં આવતા નથી તેનું જીવંત ઉદાહરણ મોરબીની શાળામાં મળી રહે છે આજે વજેપર શાળાના બાળકો અને વાલીઓએ કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો
મોરબીના વજેપરમાં આવેલી કલ્યાણ પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાય છે આ શાળામાં શિક્ષકોનો સ્ટાફ પુરતો છે અને ૩૦૦ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે પરંતુ માત્ર ત્રણ જ વર્ગખંડો હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે તો ઉપરાંત પીવાના પાણીની સુવિધા નથી અને શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જે મામલે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેકટર કચેરી પહોંચ્યા હતા અને શાળામાં સુવિધાઓ માટેની માંગ કરી હતી. ૩૦૦ બાળકોનું ભવિષ્ય અંધકારમય બને તે પૂર્વે તંત્ર જાગે અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.
શાળા મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી
જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા શાળાના પ્રશ્નો અને બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને નવા વર્ગખંડો બનાવવા જમીન માટે જીલ્લા પંચાયતને સુચના આપી દેવાની ખાતરી આપી હતી જયારે ગંદકી મામલે પાલિકાને તાકીદે કામગીરી કરવા માટેનો આદેશ આપવાની ખાતરી આપવામાં આવી હતી

