કેમિકલયુક્ત પાણીના આડેધડ નિકાલથી પશુધનના મોત

પ્રદુષણ મામલે કોંગ્રેસ અગ્રણીની ધારદાર રજૂઆત

મોરબી તાલુકાના લીલાપર-અદેપર વિસ્તારમાં આવેલ પેપરમિલ દ્વારા ગંદા કેમિકલયુક્ત પાણીના અનધિકૃત નિકાલને પગલે પશુધનના મોત થયા છે તેમજ મચ્છુ ડેમમાં પીવાના પાણીને પણ આવું ગંદુ પાણી દુષિત કરી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજ્યોનલ મેનેજરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પેપરમિલના સંચાલકો દ્વારા લીલાપર અને અદેપર-પંચાસીયા રોડની સીમના વોકળાઓમાં મીલનું કેમીકલયુક્ત ગંદુ પાણી છોડે છે. જેનાથી વોકળાનું પાણી પી જવાથી લીલાપર ગામના પશુપાલકોની દૂધ આપતી દસેક ભેંસો થોડા દિવસ પૂર્વે મૃત્યુ પામી હતી જે બનાવ અંગે એકમના માલિકોએ પશુધનના માલિકોને બોલાવી પશુ દીઠ એકાદ લાખનું વળતર ચૂકવી બનાવ પર ઢાંકપીછોણો કર્યો છે. સંબંધિત માલધારીને પશુધનનું વળતર ચૂકવી દેવાથી ગુન્હો દબાઈ જતો નથી. ઓદ્યોગિક એકમના ગંદા પાણીનો નિકાલ સુચના અનુસાર નિયમ મુજબ થવો જોઈએ. પરંતુ તેમ ના થતું હોવાથી ગમે ત્યાં ગંદા પાણીનો નિકાલ કરી વળતર ચૂકવી પ્રદુષણ નિયમનો છડેચોક ભંગ કરે છે. તેમજ આ બંને ગામો મચ્છુ ડેમ ૨ થી નજીક છે. મચ્છુ ડેમ સૌની યોજનાનો મધર ડેમ હોવાથી સૌરાષ્ટ્રના અન્ય ડેમો અને કેનાલોમાં પાણી અપાય છે જેથી આ ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણીથી ડેમનું પાણી પણ દુષિત થાય છે. જેથી લોકોની સલામતી જોખમાય છે અને લોકોમાં બીમારી ફેલાય છે. ત્યારે આવી માનવ અને પશુ ધનની સલામતીને હાની પહોંચાડનાર પેપરમિલ માલિકો સામે યોગ્ય પગલા લઈને ગંદા પાણીનો નિકાલ કરીને પ્રદુષણથી નુકશાન ના થાય તેવા પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat