મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ફાઇબર નેટ કનેક્શનથી જોડાઇ

સરકારની ૫૫ સેવાઓ હવે ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થશે

 

 

ગુજરાત સરકારની વહીવટી કામગીરી પેપરલેસ તરફ આગળ ધપી રહી છે ત્યારે આ કામગીરી માટે મોરબી જિલ્લામાં મોડલરૂપ કામગીરી થઇ છે. ભારત નેટ ફેઝ-ર પ્રોજેક્ટ અંતર્ગત તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયત ફાઇબર નેટ કનેક્શન થી જોડવામાં આવ્યા.

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ૧૦૩ ગ્રામ  પંચાયત, વાંકાનેર તાલુકાના  ૯૦  ગ્રામ  પંચાયત, હળવદ તાલુકાના ૭૧ ગ્રામ પંચાયત, ટંકારા તાલુકાના ૪૫ ગ્રામ પંચાયત અને માળીયા તાલુકાના ૪૧ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર હસ્તક કંપની દ્વારા ભારત સરકારના ભારત નેટ ફેઝ- ર પ્રોજેક્ટ હેઠળ  ઓપ્ટિકલ ફાઈબર કેબલ મારફતે ઇન્ટરનેટ કનેકટીવિટી હાઈસ્પીડ સાથે આપવામાં આવેલ છે.

જેથી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હાઈસ્પીડ ઇન્ટરનેટ સાથે કામ કરી ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી શકશે. તેમજ ઇ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએથી એફ.આઈ.આરની નકલ, રેશનકાર્ડને લગતા સુધારા, આવક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત ૫૫ સેવાઓ હવેથી કાર્યરત થઇ છે. સાથે જ નાગરિકોને ગ્રામ્યકક્ષાએથી જ તમામ ઓનલાઈન સેવાઓ ઝડપભેર મળતી થશે.

Comments
Loading...
WhatsApp chat