


મોરબી જીલ્લામાં જુલાઈના અતિ ભારે વરસાદને પગલે ટંકારા, માળિયા, મોરબી સહીત આખા જીલ્લામાં ઉભા પાકો નાશ પામ્યા છે જે નુકશાનીનો સર્વે કરવામાં આવતા વ્યાપક નુકશાની સામે આવી છે. મોરબી જીલ્લા ના મોરબી તાલુકામાં કુલ ૧૮૦ હેકટર, માળિયા તાલુકાના કુલ ૫૮૪૦ હેક્ટર, વાંકાનેર તાલુકાના ૯૨૦૦ હેક્ટર, ટંકારા તાલુકાના ૭૦૦ હેક્ટર અને હળવદ તાલુકાના ૬૮૪૫ હેક્ટર મળીને કુલ ૧૮૮૯૫ હેક્ટર પિયત વિસ્તાર અને ૩૮૭૦ બિન પિયત વિસ્તાર અસરગ્રસ્ત માલૂમ પડ્યા હતા જેમાં મોરબી જીલ્લાના તમામ તાલુકામાં મળીને ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા પિયત વિસ્તારમાં ૯૧૨૧ અને બિન પિયત વિસ્તારમાં ૫૦૧૫ હેક્ટરમાં નુકશાની પહોંચી છે જેમાં કુલ ૧૬૪૫૮ અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સર્વેમાં કુલ ૧૪ ટીમોએ કામગીરી કરીને આ સર્વે પૂર્ણ કર્યો હોવાનું જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં કપાસના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવતું હોય છે ત્યારે ભારે વરસાદે કપાસને વ્યાપક નુકશાની પહોંચાડી છે. મોરબી તાલુકામાં ૧૫૦ હેક્ટર, માળિયા તાલુકામાં ૩૪૦૦ હેક્ટર, વાંકાનેર તાલુકામાં ૬૨૦૦ હેક્ટર, ટંકારા તાલુકામાં ૫૦૦ હેક્ટર અને હળવદ તાલુકામાં ૬૨૯૦ હેક્ટર જમીનમાં વાવેલા કપાસના પાકને નુકશાની પહોંચી.
મોરબી જીલ્લામાં વરસાદને પગલે પાકને નુકશાની પહોંચી છે જે નુકશાનીનો સર્વે કરવા ૧૪ ટીમો કામે લાગી હતી. મોરબી જીલ્લામાં કુલ ૧૪૦૦૦ હેક્ટર જમીનમાં નુકશાની ધ્યાનમાં આવી છે. જે અંગે ખેડૂતોને સહાય ચુકવવા માટે ૨૦ કરોડની માંગણી અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તેમ જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ગજેરાએ જણાવ્યું હતું.