


કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના ઘર નજીક સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવેદન પાઠવીને જણાવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડધમ વાગી રહ્યા છે પરંતુ આશા વર્કર અને આંગણવાડી બહેનોનના પ્રશ્નો વણઉકેલ્યા છે. ફિક્સ પગારદારો માટે ૬૫ થી ૧૨૪ ટકાનો વધારો કરનાર ગુજરાત સરકાર દ્વારા આશા વર્કરને માંડ ૧૦૦૦ રૂ. ઇન્સેન્ટીવ, આશા ફેસીલીટરને ૪૦૦૦ રૂ. ભથ્થા પેટે અને આંગણવાડી બહેનોને નજીવો વધારો આપી મહિલાઓનું અપમાન કર્યું છે. કોન્ટ્રાકટ અને આઉટ સોસિંગ કર્મચારીઓના વેતન અને કાયમી કરવાની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી ભેદભાવભર્યું વલણ અખત્યાર કર્યું છે. મોરબીમાં વીજળીઘર કર્મચારીઓને વર્ષોથી વર્ષોથી રૂ. ૯૫૦ માસિક વેતન આપી સરકાર દ્વારા શોષણ અને દમનની હદ વટાવી દીધી છે. હાલ ગુજરાત સરકાર રોજગારી આપવાન દાવા કરી રહી છે પરંતુ સરકારના મોટાભાગના વિભાગોમાં આઉટ સોસિંગ અમલમાં મૂકી દેવામાં આવ્યું છે અને વર્ગ ૪ નીકાયમી ભરતી બંધ કરી ગરીબ અને પછાત લોકોને ઇસ્ટ ઇન્ડિયા કંપનીરૂપી આઉટ સોસિંગ એજન્સીને હવાલે કરી યુવાનોને માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ આપી ગુલામ બનાવવા પ્રયત્ન થઈ રહયા છે. આઉટ સોસિંગ એજન્સીની વધતી દાદાગીરીથી યુવાનો આત્મહત્યા જેવા અંતિમ પગલા ભરવા મજબુર બન્યા છે. જે આઉટ સોસિંગના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

